કલેક્ટર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને તેનો વ્યાપ વધે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના પ્રયાસોને ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાપડી રહ્યો છે. સાસણ ખાતેની એક ખાનગી હોટલમાં હોટેલ એસોસિએશનના હોદ્દેદારો, પ્રાકૃતિક ખેતી કરતા અગ્રગણ્ય ખેડૂતો અને આત્મા-ખેતીવાડીના અધિકારીઓ બેઠકમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ સાસણમાં આવેલી હોટલ્સના મેન્યુમાં હવે પ્રાકૃતિક ખેત પેદાશમાં બનાવેલ ભોજન અને આહાર-વાનગીઓ જોવા મળશે. એટલે કે, સાસણના હોટેલ એસોસિએશનના હોદ્દેદારો પ્રાકૃતિક ખેત પેદાશમાંથી બનતુ ભોજન હોટલમાં રાખવા માટે સહમત થયા છે. ઉપરાંત હોટલમાં પ્રાકૃતિક ખેતપેદાશના વેચાણ માટે એક શોપ પણ ઉભી કરવામાં આવશે. જેથી પ્રવાસીઓ પ્રાકૃતિક ખેતપેદાશની ખરીદી પણ કરી શકે.આ બેઠકમાં વધુમાં એગ્રો ટુરીઝમને વેગ મળે તે માટે હોટેલમાં આવતા પ્રવાસીઓને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફોર્મ બતાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. કલેક્ટર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે જરૂરી પ્રયાસ હાથ ધર્યા છે, તેને સફળતા પણ મળી રહી છે.