રોજ રોજ અમૂલ્ય માનવ જિંદગીઓ ભરખાઈ રહી છે, કેટલાય પરિવારોના માળા વીંખાઈ રહ્યા છે ત્યારે સંવેદનશીલ સરકાર ભ્રામક સિદ્ધિઓ વર્ણવી લોકોના ઘા પર મીઠું ભભરાવી રહી છે
- જગદીશ આચાર્ય
ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 51લાખને પાર કરી ગયો છે.દરરોજ નવા 95હજાર પોઝિટિવ કેસ મળે છે.પણ સરકારનું કહેવું એમ છે કે આપણે એટલે કે એમણે એટલે કે સરકારે કોરોના સામે જે પગલાં લીધા છે એવા દુનિયાના કોઈ દેશે લીધા નથી.બધા અચંબિત થઈને આપણી સામે નિહાળી રહ્યા છે.
એ એક બાબતે સરકાર સાચી છે.બધાને અચંબિત તો શું,મૂર્છિત થઈને જોવું જ પડે એવું કરવામાં સરકાર સફળ રહી છે.બધાને અચંબિત કરી દેવાના સરકારના આ અભિયાનમાં બે દિવસ પહેલાં જે લેટેસ્ટ ઘોષણા કરવામાં આવી છે એ આ અચંબિત કરો અભિયાન શ્રેણીમાં શિરમોર સાબિત થાય તેમ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે મસ્તક ઊંચું કરીને ગર્વભેર દેશવાસીઓ જોગ જાહેરાત કરી કાઢી કે ભારતનો કોરોનાનો રિકવરી રેટ “વન ઓફ ધી હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ” છે.
સરકાર માઇ બાપ આવું કહે પછી પ્રસાર માધ્યમો જાલ્યા રહે?બીજા દિવસે હેડલાઈનોમાં રિકવરી રેટ, રિકવરી રેટ થઈ ગયું. સમાચારમાં નવો વણાંક આવી ગયો કે ભારતનો રિકવરી રેટ સહુથી વધારે છે. સોસીયલ મીડિયા પર આઇ. ટી.સેલ ઉત્પાદીત મેસેજ લાગ્યા વાયરલ થવા કે “જુઓ કેવી અદભુત સરકાર છે, કેવા કેવા અદભુત પગલાં લીધા છે,જોઈ લ્યો ભાઈઓ ઔર બહનો ભારતનો રિકવરી રેટ જોઈ લ્યો. કદરદાનો આ સરકાર ન હોત તો તમારું થાત શુ?” ભારતનો રિકવરી રેટ 78.59 ટકા છે. આપણે જેને ભૂખડ અને કંગાળ કહીને અનેરો આનંદ ઉઠાવીએ છીએ એ પાકિસ્તાનનો રિકવરી રેટ પણ 78.27% છે.એટલે કે આપણા કરતા માત્ર 00.22% ઓછો.પણ ત્યાં તો વડાપ્રધાન તરીકે પણ કોઈ યુગપુરુષ નથી એટલે આટલો ફેર તો રહેવાનો જ.જો કે આપણે ગૌરવ લેવું હોય તો નેપાળ 71.50% અને બાંગ્લાદેશ 72.36 ટકા અને ફિલિપાઈન્સ 76.15 ટકા રિકવરી રેટ વાળા દેશ છે.એના કરતાં આપણે આગળ છીએ.
આ તો મુઠ્ઠીભર દેશોના આંકડા આપ્યા.હજુ એક વધુ તથ્ય પર નજર નાખો.એશિયાના દેશોનો સરેરાશ રિકવરી રેટ 81.12 %છે.એટલે કે તે ભારતના 78.59 ટકા કરતાં વધારે છે.
આ સ્થિતી છે અને છતાં દાવો કરાય છે કે ભારતનો રિકવરી રેટ “વન ઓફ ધી હાઈએસ્ટ” છે.તો હવે કોઈ પાછું વળીને જોશો નહીં.આપો સરકારને શાબાશી.એકાદ વખત ફરીથી થાળી પણ વગાડી લ્યો. ભક્તજનો, ગુણીજનો સામુહિક બિરદાવલીઓ ગાવ.
સરકારને પણ શરમ નથી. સંસદમાં કહ્યું કે સમયસરના લોકડાઉનને કારણે ડેથરેટ ઓછો રહ્યો.આવી ફેંકા ફેંક ચાલે છે ત્યારે આપણે પણ ચાલો ડેથ રેટ ઉપર નજર ફેંકી લઈએ.(સાથેનું બોક્સ જૂઓ)
- Advertisement -
ડેથ રેટની ગણતરી પણ જરા વધારે પડતાં અચંબિત કરી દે એ પ્રકારની નવતર પદ્ધતિથી થાય છે.અમારે રાજકોટમાં દરરોજ અખબારો લખે કે આજે રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં 35 મર્યા,30 મર્યા.. એ બધાની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધી થાય. અને તે જ દિવસે રાજ્ય સરકાર આખા રાજ્યમાં 15-18 મૃત્યુ થયાનું જાહેર કરે. કોવિડના મૃત્યુ પૂરતો રાજકોટનો કદાચ ગુજરાતમાં સમાવેશ નહીં થતો હોય.સરકાર કહે છે કે અમે મૃત્યુનું ઓડીટ કરીએ છીએ. એ ઓડીટ સદાકાળ ચાલતું રહેશે અને મૃત્યુતો થતા જ રહેશે.
સરકારો મૃત્યુ અટકાવવા કરતા મૃત્યુ દર ઓછો દેખાડવા માટે વધુ સક્રિય હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.આ ઓછા ડેથ રેટને સરકાર પોતાની ભવ્ય સિદ્ધિ તરીકે દર્શાવી રહી છે.શુ સરકાર એવું કહેવા માંગે છે કે અમેરિકા અને બીજા વિકસીત દેશો કરતા આપણી તબીબી સારવાર અને તબીબી માળખું વધારે સારું છે? જરા હવા આવવા દયો. હકીકત એ છે કે હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નથી.”હજારો બેડ અને આઈ. સી.યુ.વાળા ટ્રેનના ડબ્બા” વાતો હવામાં ઉડી ગઈ છે.ગરીબ અને મધ્યમવર્ગના લોકો લૂંટાઈ રહ્યા છે. પ્રજા પરમાત્માના ભરોસે છે.લોકોની હૈયા વલોવી નાખતી લાચારી, વેદના,પીડા અને યાતનાનો કોઈ પાર નથી. પ્રજાની કોઈને પડી પણ નથી. સરકાર દિશાવિહીન નજરે પડી રહી છે. રોજ રોજ અમૂલ્ય માનવ જીન્દગીઓ ભરખાઈ રહી છે. કેટલાય પરિવારોના માળા વીંખાઈ રહ્યા છે ત્યારે સંવેદનશીલ સરકાર ભ્રામક સિદ્ધિઓ વર્ણવી લોકોના ઘા પર મીઠું ભભરાવી રહી છે.
સરકારના બેવડા માપદંડ છે. દરરોજ 95 હજાર નવા પોઝિટિવ કેસ મળે છે તેના માટે સરકાર જવાબદાર નથી. પણ આ કહેવતો “હાઈએસ્ટ” રિકવરી રેટ અને આ કહેવાતો “લોએસ્ટ” ડેથ રેટ એ સરકારની મહાન સિદ્ધિ છે! સરકાર પોતાની પીઠ થપથપાવવામાં આખી દુનિયા અચંબિત થઈ જાય એ હદે માહીર છે.આવી સ્થિતી વચ્ચે પણ પોતાના હાથે પોતાની પીઠ થાબડવા માટે અનોખી જાદુગરી આવડવી જોઈએ. હિંમત પણ ખૂબ જોઈએ. શર્મો હયાં તો હવે ભૂતકાળ બની ગયા છે એટલે એનો ઉલ્લેખ અહીં અસ્થાને છે.બેશર્મી એ તો બેઝિક રિકવાયરમેન્ટ છે.જેવા તેવાનું એ કામ નહીં.એમાં હાથ પાછળ લઇ જવા પડે.એ તો માત્ર આ સરકાર જ કરી શકે.આપણું ગજું નહીં. પણ સરકાર પીઠ થપથપાવતી હોય ત્યારે વર્તમાન માપદંડ અનુસારની દેશભક્તિ દાખવવા પ્રજાએ પણ જોડાઈ જવું જોઈએ.એટલે પ્રજાએ પીઠને બદલે પોતાની છાતી ફૂટી લેવી.