સરગમ પરિવારના હજારો સભ્ય વતી શ્રદ્ધાંજલિ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી અને બધાથી ઉપર એક સરળ પ્રકૃતિનાં વ્યક્તિ એવા વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટને જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને મોટી ખોટ ગઈ છે તેમ જણાવી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈએ કરેલા સમાજસેવાના કાર્યોને રાજકોટ ક્યારેય ભૂલી શકશે નહી.
- Advertisement -
ગુણવંતભાઈએ કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈ સરગમ કલબ અને સરગમ પરિવાર સાથે વરસોથી સંકળાયેલા હતા અને કાયમ માટે માર્ગદર્શક રહ્યા છે. સરગમ કલબને જયારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડતી ત્યારે તેઓ ઉપયોગી સલાહ આપતા હતા. વધુમાં સરગમ કલબને ઇન્ડોર સ્ટેડીયમ અને હેમુ ગઢવી હોલનું સંચાલન આપવામાં પણ વિજયભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં વિજયભાઈ સરગમ પરિવારની પડખે ઉભા રહ્યા હતા. વિજયભાઈ સરગમ કલબના અનેક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોને બિરદાવ્યા હતા તેમ જણાવતા ગુણવંતભાઈએ કહ્યુ છે કે,આજે વિજયભાઈને ઈશ્વરે આપની પાસેથી છીનવી લીધા છે ત્યારે આ વાત માનવા માટે મન તૈયાર થતું જ નથી.
સમગ્ર ડેલાવાળા પરિવારને સ્વ. વિજયભાઈ સાથે આત્મીય સંબંધ હતો. ગુણવંતભાઈ અને વિજયભાઈ રાજકોટની વિરાણી સ્કુલમાં સાથે ભણ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં પણ સાથે જ જતા હતા. આમ ગુણવંતભાઈ અને વિજયભાઈ વચ્ચે વરસોથી પારિવારિક સંબંધો હતા. તેમણે સરગમ પરિવારના હજારો સભ્યો વતી સ્વ. વિજયભાઈને શ્રધ્ધાંજલી પાઠવી છે..
જનનાયક વિજયભાઇ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળુ બન્યું: રક્ષાબેન બોળીયા
- Advertisement -
ગુજરાત રાજ્યની પ્રજાભિમુખ અને પારદર્શી સરકારના એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જેમનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું તેવા અત્યંત સાત્વિક, સરળ, સહજ, સૌમ્ય અને સમર્પિત જનનાયક વિજયભાઈ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળું બન્યું છે એમ જણાવીને રાજકોટના પૂર્વ મેયર શ્રી રક્ષાબેન આર બોળીયા એ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીકાળથી દૂરંદેશી દાખવીને જાહેર જીવનમાં સકારાત્મક રાજકીય નેતૃત્વની ધરોહર સમાન કાર્ય કર્યું હોવાનું જણાવીને રક્ષાબેન બોળીયા એ રૂપાણી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. અમદાવાદ ખાતેની હ્રદયવિદારક વિમાન દુર્ઘટનાનાં દિવંગત આત્માઓને રાજકોટના પૂર્વ મેયર અને તેમના પરિવાર દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. ઈશ્વર તેમના પરિવારજનો ને શક્તિ આપે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.