લોખંડી પુરૂષની વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ દેશના સ્વાભિમાનનું પ્રતિક બની છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિધાનસભા-68 રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ આજે તા. 31 ઓક્ટોબરના રોજ દેશના પનોતા પુત્ર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે તેમને કોટી-કોટી નમન કરતાં જણાવેલ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્ત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરેલ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી અગ્રણી નેતાઓમાંના એક નેતા હતા. તેમના દેશ પ્રત્યેના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા. ભારત અને વિશ્ર્વભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમજ તેમના દૃઢ મનોબળના કારણે લોખંડી પુરૂષ તરીકે પણ ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલએ રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. તેમના નેતૃત્વના ગુણો અને જનતા સાથે જોડાવવાની ક્ષમતાએ તેમને સરદાર પટેલનું બિરૂદ અપાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલએ 1916થી 1950 સુધી 34 વર્ષના જાહેરજીવનમાં ગુજરાત અને ભારત માટે અનેકાનેક રાષ્ટ્રભક્તિના કાર્યો કર્યા. તેમાં દેશી રાજ્યોનું વિલિનીકરણ દરમિયાન જે મુત્સદ્દીગીરી, કુનેહ, દૃઢતા અને સૂઝબૂઝ તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઈ સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા તેનાથી આખી દુનિયામાં એમની કીર્તિ પ્રસરી ગઈ. અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અદ્વિતિય પ્રદાન બદલ ભારત સદા તેમનું ઋણી રહેશે તેમજ નીડર, સ્પષ્ટ વક્તા, કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર રાષ્ટ્રનો દ્રોહ કરનારની હિંમતભેર ખબર લઈ નાખનારા, અંગત સ્વાર્થરહિત નિરપેક્ષભાવ જનતા જનાર્દન અને રાષ્ટ્રની સેવા પાછળ પોતાની તમામ શક્તિ ખર્ચનાર સરદારસાહેબે જૂનાગઢ-હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. રાષ્ટ્રવિરોધી બળોને દેશ પર કાબૂ મેળવવામાં અશક્ત બનાવી દઈને દેશમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા માટે તેમણે અંતિમ દોઢ વર્ષ સુધી કરેલી તનતોડ મહેનત માટે દેશ સદીઓ સુધી એમનું ઋણી રહેશે. સરદાર પટેલ માત્ર ભારતના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરૂષ નહોતા, પરંતુ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા. અવિભાજ્ય રાષ્ટ્રનું સ્વપ્ન તેમણે વાસ્તવિક બનાવ્યું. 562 રિયાસતોને એકતાના સૂત્રમાં બાંધવાનું તેમનું અવિસ્મરણીય યોગદાન ભારતીય ઈતિહાસમાં અક્ષય રહેશે.
આ ઉપરાંત આપણી સંસ્કૃતિના પુરાતન માનબિંદુ સમુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મંદિર વર્ષોથી ખંડિયર હાલતમાં પડ્યું હતું. સરદારે મંદિરની દુર્દશા જોઈ અને સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પના ફળસ્વરૂપે આજે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનું ભવ્ય, વિશાળ ચોમેર કીર્તિ ફેલાવતું ઊભું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે સન્માનવામાં આવ્યા છે.
- Advertisement -
દેશના લોખંડી પુરૂષની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’નું તા. 31 ઓક્ટોબર 2018ના રોજ લોકાર્પણ દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે. વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા કે જે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં બમણી ઊંચાઈવાળી છે તે દેશના સ્વાભિમાનનું પ્રતિક બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ ઐતિહાસિક અને ભવ્ય બન્યો અને આ સમારોહ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરે છે ત્યારે આ મહાપુરુષની જન્મજયંતી આપણા સૌ માટે અનોખો પ્રેરણાદિન અને ગૌરવદિન બની રહે તેમ અંતમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે તેમને શત શત નમન કરતાં ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.



 
                                 
                              
        

 
         
        