વેદોમાં સરસ્વતીને માર્કંડ, હક્ર, સુપ્રભા, કંચનાક્ષી, વિશાલા, મનોરમા વગેરે નામો થકી આલેખવામાં આવી છે, ઘણા લાંબા સમય સુધી (એમ કહો ને કે સદીઓ સુધી) વેદોને એવા પ્રકારની કથા-ગાથા સ્વરૂપે જોવામાં આવ્યા, જેમાં કોઇ જાતની સત્યતા ન હોય! પરંતુ સરસ્વતી નદીનાં સૂકાઈ ગયેલા વહેણની વાત પ્રકાશમાં આવતાંની સાથે જ ભારતીયો એ અંગે વિચારવા પર મજબૂર થઈ ગયા.
– પરખ ભટ્ટ
થોડા વર્ષો પહેલા સરસ્વતી નદીનાં સંભવિત અસ્તિત્વ અંગે પુષ્કળ રીસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ખોદકામ અને કંઈ-કેટલાય વૈજ્ઞાનિક પ્રયોગો બાદ એ તથ્ય સામે આવ્યું કે સરસ્વતી નદી કોઇ કપોળ-કલ્પિત કલ્પના નહીં, પરંતુ આપણા વેદ-પુરાણોમાં વર્ણવાયેલું સત્ય હતું, જે આજથી 4000 વર્ષો પહેલા કાળની ગર્તામાં ખોવાઈ ગયું. નાસા અને ઇસરોનાં ઉપગ્રહોની મદદ લઈને વૈજ્ઞાનિકો તેમજ પુરાતત્વશાસ્ત્રીઓએ સરસ્વતી નદીનો સંભવિત પ્રવાહ-માર્ગ (વહેણ) નક્કી કરી તેનો નકશો કાગળ પર ઉતાર્યો. હિમાલયથી શરૂ થતું એનું વહેણ ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં થઈને છેલ્લે ગુજરાત નજીક આવેલા અરબ સાગરમાં મળતું હોવાની વાત મળી આવી છે. વૈજ્ઞાનિકોએ જાહેર કરેલી તસ્વીરો પરથી ખ્યાલ આવે છે કે, કેટલાક સ્થળોએ નદીની પહોળાઈ 8 થી 11 કિલોમીટર અને 3000 કિલોમીટર સુધીની લંબાઈ હોવી જોઇએ. (આંકડાઓ પરથી પુરવાર થાય છે કે વિશ્વની સૌથી લાંબી અને પહોળી નદીઓમાં એ સમયે સરસ્વતી નદીની ગણના થતી હોવી જોઇએ!)
- Advertisement -
આજે મોટાભાગનાં ભારતીયો સરસ્વતી નદીને વેદ-પુરાણોએ ઉપજાવી કાઢેલી ઘટના માને છે! તો અન્ય કેટલાકનો મત એવો છે કે સરસ્વતી આજે પણ ધરતીનાં ભૂગર્ભમાં ક્યાંક અસ્ખલિત વહે છે. સર્વસામાન્ય દ્રષ્ટિકોણની વાત કરીએ તો, માન્યતા મુજબ, સરસ્વતી નદી અલાહાબાદ શહેરમાંથી પસાર થઈને ગંગા-જમુના સાથે સંગમ રચે છે. જેને ધાર્મિક ગ્રંથોમાં ત્રિવેણી સંગમનું નામ અપાયું છે. (આજે પણ માન્યતા છે કે, ભારતની સૌથી પવિત્ર જગ્યાઓમાંની એક એટલે ત્રિવેણી સંગમ!) વેદોમાં અપાયેલા સરસ્વતી નદીનાં વર્ણન પર પણ એક નજર નાંખવા જેવી ખરી! મોટાભાગની પૌરાણિક સંસ્કૃતિની શરૂઆત મોટી મોટી નદીઓને કિનારે થઈ હોવાની સાર્વજનિક માન્યતા છે. મેસોપોટેમિયન, ઇજિપ્શિયન, ચાઇનીઝ, હડપ્પા-સિંધુખીણ સંસ્કૃતિ વગેરે.. કોઇના પણ ઉદાહરણો જોઇ લો! કોમન ફેક્ટર છે : નદી. આપણે ત્યાં તો નદીઓને માતાનો દરજ્જો આપીને સવાર-સાંજ એમની આરતી ઉતારવામાં આવે છે. (ગંગા ઘાટ પર થતી સંધ્યા આરતી જોઇને આજે પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય છે.) વેદોમાં સરસ્વતીને માર્કંડ, હક્ર, સુપ્રભા, કંચનાક્ષી, વિશાલા, મનોરમા વગેરે નામો થકી આલેખવામાં આવી છે. ઘણા લાંબા સમય સુધી (એમ કહો ને કે સદીઓ સુધી) વેદોને એવા પ્રકારની કથા-ગાથા સ્વરૂપે જોવામાં આવ્યા, જેમાં કોઇ જાતની સત્યતા ન હોય! પરંતુ સરસ્વતી નદીનાં સૂકાઈ ગયેલા વહેણની વાત પ્રકાશમાં આવતાંની સાથે જ ભારતીયો એ અંગે વિચારવા પર મજબૂર થઈ ગયા. ઋગ્વેદ (3.23.4)માં વર્ણવ્યાનુસાર, સરસ્વતી ‘અપાયા’ અને ‘દ્રશ્દવતી’ નદીઓની સાથે એક થઈને વહે છે. જ્યારે 6.61ની ઋચામાં સરસ્વતીને પર્વતોમાંથી ધસમસતી વહેતી આલેખાઈ છે. ઋગ્વેદ 7.36.6 અનુસાર, ‘સરસ્વતી સપ્તથિ સિંધુમાતા’ (સાત નદીઓની માતા) કહેવાઈ છે. અહીં પ્રશ્ર્ન એ છે કે, સરસ્વતી સિવાયની બાકીની છ નદીઓ કઈ હોઇ શકે? શતદ્રુ (સતલુજ), વિપાસા (બીસ), અસ્કિની (ચેનબ), પરસોની-ઐરાવતી (રવિ), વિતસ્તા (જેલમ) અને સિંધુ (ઇન્ડસ)!
સાંપ્રત સમયમાં પણ ભારત અને પાકિસ્તાનનાં ઉત્તરીય વિસ્તારોમાં આ નદીઓનું અસ્તિત્વ છે. હવે વિચાર કરો કે, વેદ-પુરાણોમાં જે દસ નદીઓ (ગંગા, યમુના, સરસ્વતી, સતલુજ, રવિ, ચેનબ, મરૂદવૃધ, જેલમ, સોહન અને વ્યાસ)નો ઉલ્લેખ થયો હોય એમાંની નવ નદીઓનું અસ્તિત્વ જોવા મળતું હોય ને ફક્ત એક નદી એમાંથી ગાયબ હોય તો શું સમગ્ર વેદને અસત્ય પૂરવાર કરી શકાય? એ તો નરી મૂર્ખામી છે. તદ્દન અતાર્કિક બાબત છે. મને નથી લાગતું કે સાધુ-સંતોને નવ વાસ્તવિક નદીઓની સાથોસાથ એકાદ કાલ્પનિક નદી વિશે એમનાં ગ્રંથોમાં લખવાની જરૂરિયાત ઉભી થઈ હોય!
- Advertisement -
તમને થશે કે, ઋગ્વેદની આ બધી ઋચાઓ અને નદીઓનાં સંગમની વાતોનો અહીંયા શો અર્થ છે? જસ્ટ વેઇટ અ વ્હાઇલ. ધીરે ધીરે એક પછી એક પાસા ખૂલતાં જશે.
પુરાણકાળમાં સરસ્વતી નદીને કિનારે વસતાં સાધુ-સંતો પોતાની ગાય-બકરીને ચરાવવા તથા પાણી પીવડાવવા માટે નદીનાં જળનો ઉપયોગ કરતાં, જેના લીધે સરસ્વતી નદીને ઘી-દૂધ આપનારી માતા તરીકે વેદ-પુરાણોમાં વર્ણવાઈ છે. કેટલાય ચક્રવર્તી રાજાનાં રાજ્યો નદીને કિનારે વસ્યા છે. દશરથ (શ્રી રામનાં પિતા, રામાયણ) અને શાંતનુ (ભીષ્મનાં પિતા, મહાભારત) જેવા રાજાઓનાં રાજ્યો પણ અનુક્રમે સરયુ અને ગંગાનાં કિનારે વસવાટ પામ્યા હતાં. ઋગ્વેદ (10.64.9) અનુસાર, સરસ્વતી-સરયુ અને સિંધુને ત્રણ મહાન નદીઓનાં સ્વરૂપે પૂજવામાં આવતી હતી. સરયુ નદીનો ઘણો ખરો ઉલ્લેખ રામાયણમાં વાંચવા મળે છે.
આધુનિક સંશોધનો પર વિશ્વાસ કરીએ તો, આજથી હજારો વર્ષ પહેલાથી જેનું અસ્તિત્વ ચાલ્યું આવે છે એવી સિંધુ નદીને એ સમયની સૌથી મોટી નદી તરીકે સ્વીકારવામાં આવી છે. દસ પૌરાણિક નદીઓમાંની એક એવી સરસ્વતી નદી, યમુના અને સતલુજ વચ્ચે વહેતી હોવાનાં વર્ણનો મળી આવ્યા છે. ઋગ્વેદની કેટલીય ઋચાઓ પરથી એવું સાબિત કરી શકાય એમ છે કે પ્રાચીન ભારતમાં ગંગાને નહીં, પરંતુ સરસ્વતીને સૌથી પવિત્ર નદી તરીકે સ્વીકારવામાં આવી હતી. ઋગ્વેદમાં ગંગાનો ઉલ્લેખ ફક્ત એક વખત, જ્યારે સરસ્વતીનો ઉલ્લેખ લગભગ 60 વખત થયો છે! ઋષિ ગૃત્સમદ સરસ્વતીને માતા, નદી અને દેવી તરીકે વર્ણવ્યા છે. ઋગ્વેદ (10.17) માં સરસ્વતીને આપણા પૂર્વજો તથા અત્યારની પેઢીનાં પ્રમુખ દેવી કહેવાયા છે. તદુપરાંત, ઋગ્વેદની (1.13, 1.89, 10.85, 10.66 અને 10.141) ઋચાઓમાં નદી તરીકે નહીં પરંતુ અન્ય દેવી-દેવતાઓની માફક ભગવાન તરીકે જોવામાં આવે છે.
ઋગ્વેદમાં સરસ્વતી સહિત દસ નદીઓનો ઉલ્લેખ છે, જ્યારે યર્જુવેદમાં સરસ્વતી સહિત પાંચ નદીઓનો! આવું કેમ? જેનો સરળ જવાબ એ છે કે, ઋગ્વેદનાં સમય દરમિયાન (અંદાજે 15,000 વર્ષો પહેલા) દસે-દસ નદીઓ અસ્તિત્વમાં હોવી જોઇએ પરંતુ સમય પસાર જતાં તેની શાખાઓ, પાણીનાં વહેણ સૂકાતાં ગયા અને યર્જુવેદનાં સમયમાં (અંદાજે 6000 વર્ષો પહેલા) એમાંની ફક્ત પાંચ નદીઓનું અસ્તિત્વ બાકી રહ્યું હોવું જોઇએ!
મૂંઝવણ એ છે કે, ઋગ્વેદમાં સરસ્વતી સહિત દસ નદીઓનો ઉલ્લેખ છે, જ્યારે યર્જુવેદમાં સરસ્વતી સહિત પાંચ નદીઓનો! આવું કેમ? જેનો સરળ જવાબ એ છે કે, ઋગ્વેદનાં સમય દરમિયાન (અંદાજે 15,000 વર્ષો પહેલા) દસે-દસ નદીઓ અસ્તિત્વમાં હોવી જોઇએ પરંતુ સમય પસાર જતાં તેની શાખાઓ, પાણીનાં વહેણ સૂકાતાં ગયા અને યર્જુવેદનાં સમયમાં (અંદાજે 6000 વર્ષો પહેલા) એમાંની ફક્ત પાંચ નદીઓનું અસ્તિત્વ બાકી રહ્યું હોવું જોઇએ!
વામન પુરાણ (32.1-4) મુજબ, સરસ્વતી નદીનો ઉદભવ પીપળનાં વૃક્ષમાંથી થયો. અન્ય કેટલાક પુરાણો સરસ્વતી નદીને જુદા જુદા તળાવોમાં વિભાજીત થઈ ગયા હોવાનું સૂચન કરે છે. સ્કંદ પુરાણનું માનીએ તો, હિમાલયમાંથી ઉદભવ્યા બાદ સરસ્વતી નદી પશ્ચિમમાં કેદારમાંથી પસાર થઈ અંતે ભૂગર્ભમાં વહે છે. યર્જુવેદની માફક અહીં પણ, સરસ્વતી નદીની ફક્ત પાંચ શાખા (હરિણી, વજ્રિણી, હ્યુક, કપિલા અને સરસ્વતી) હોવાનું વર્ણન આપવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર, હિમાલયનું પીગળવું એ વૃત્ર નામનાં અસુર અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેનાં યુદ્ધનું પરિણામ છે.
સાત નદીઓનાં કિનારે વિકસેલી સભ્યતાને લીધે એ તમામને ‘સપ્ત સિંધુ’નાં નામે ઓળખવામાં આવે છે. સરસ્વતી નદીને કિનારે કંઈ-કેટલીય સંસ્કૃતિ-સભ્યતા વિકસી હોવાનાં 2000થી પણ વધુ આર્કિયોલોજીકલ પુરાવાઓ મળી આવવાથી તેને ‘માતા’નું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રેમાળ માંની માફક પોતાની મમતા અને વાત્સલ્યને લીધે તેના કિનારાઓ પર ખેતીવાડી અને અધ્યાત્મનો સંગમ શક્ય બન્યો. મહાઋષિઓ અને સાધુઓને અહીં પ્રાપ્ત થયેલી શાંતિના પ્રતાપે પુષ્કળ વેદોનું સર્જન પણ સંભવ બન્યું. સરસ્વતી નદીનાં કિનારે વિશાળ માત્રામાં મળેલા જ્ઞાનને પરિણામે તેને દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે.
‘બ્રાહ્મણ’ સર્વપ્રથમ વૈદિક ગ્રંથ છે, જેમાં સરસ્વતી નદીનાં લુપ્ત થઈ જવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘જૈમિન્ય બ્રાહ્મણ’ (શ્લોક ક્રમાંક 2.297) સરસ્વતીનાં ભૂગર્ભમાં ઉતરવાની વાત કરે છે! ‘તાંડ્ય બ્રાહ્મણ’માં (શ્લોક ક્રમાંક 25.10.11-16) સરસ્વતીને ‘કુબ્જીમતિ’ કહેવાઈ છે, કારણકે તે પોતાનાં અંત્યબિંદુ સુધી નથી પહોંચી શકતી!
ઋગ્વેદની ઘણી ઋચાઓ પરથી સરસ્વતી એ હિમાલયનાં પર્વતોમાંથી ઉદભવે એ વાતની જાણકારી મળે છે. પૌરાણિક કથાઓમાં સરસ્વતીને અવારનવાર પ્રમુખ સ્થાન અપાયું છે. જેમકે, મહાદેવનાં પુત્ર કાર્તિકેયને દેવતાઓનો સેનાપતિ બનાવવાની ઘટના સરસ્વતી નદીને કિનારે બની હતી. પુરૂરવા જે નદીને કિનારે ઉર્વશીને મળ્યો એ સરસ્વતી હતી. ભગવાન વિષ્ણુનાં પાંચમા અવતાર પરશુરામે ક્ષત્રિયોનાં હનન બાદ સરસ્વતીનાં પવિત્ર જળમાં સ્નાન લીધું હતું. મહાભારતમાં સરસ્વતીને સિંધુ નદીને સમાંતર વહેતી નદી તરીકે વર્ણવાઈ છે, જે ઉત્તરીય કુરૂક્ષેત્રનાંમાંથી પસાર થઈને અંતે અરબ સાગરમાં ભળી જાય છે. ગ્રંથમાં તો ત્યાં સુધીનું વર્ણન છે કે સરસ્વતી નદી બિણાસણ (સિરસા) નજીકનાં રણમાં જઈને ગાયબ થઈ જાય છે. જે ત્યાંથી થોડા દૂરનાં ક્ષેત્રોમાં ફરી વહેતી દેખાઈ આવે છે. મહાભારતનાં એક શ્લોકમાં સરસ્વતીને અલગ-અલગ પાતળી ધારાનાં સ્વરૂપમાં પણ વહેતી દર્શાવવામાં આવી છે : બ્રહ્માસર, જ્યોતિસર, કાલેશ્વર (હરિયાણા), કાતસર, પાંડુસર અને રવિસર (રાજસ્થાન)!
‘બ્રાહ્મણ’ સર્વપ્રથમ વૈદિક ગ્રંથ છે, જેમાં સરસ્વતી નદીનાં લુપ્ત થઈ જવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘જૈમિન્ય બ્રાહ્મણ’ (શ્લોક ક્રમાંક 2.297) સરસ્વતીનાં ભૂગર્ભમાં ઉતરવાની વાત કરે છે! ‘તાંડ્ય બ્રાહ્મણ’માં (શ્લોક ક્રમાંક 25.10.11-16) સરસ્વતીને ‘કુબ્જીમતિ’ કહેવાઈ છે, કારણકે તે પોતાનાં અંત્યબિંદુ સુધી નથી પહોંચી શકતી! લાત્યાયન સ્ત્રોતસુત્ર (10.15-19)માં સરસ્વતીને દ્રશ્દવતી નદી સાથે લુપ્ત થતી દર્શાવાઈ છે. અશ્વલયન અને સાંખ્યન સ્ત્રોતસુત્ર પણ આ તથ્યને સમર્થન આપે છે.
બીજી બાજુ, ‘મનુસ્મૃતિ’માં મનુને દ્રશ્દવતી અને સરસ્વતી નદીને કિનારે માનવ-સભ્યતા શરૂ કરનાર ઋષિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. એ જ રીતે, ‘વશિષ્ઠ ધર્મસુત્ર’માં આર્યવર્ત એ લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતીનાં પૂર્વમાં, પરિયાત્રાનાં પહાડોની ઉત્તરે, કાલ્કાવનની પશ્ચિમે અને હિમાલયનાં પર્વતોની દક્ષિણે આવેલું રાજ્ય કહેવાયું છે. મહર્ષિ પતંજલિનાં મહાભારતમાં આ વાતને ફરી અન્ય પ્રકારે સમજાવવામાં આવી છે. ‘બૌદ્ધાયન ધર્મસુત્ર’ પણ ઉપરોક્ત પ્રકારે આર્યાવર્તનાં ભૌગોલિક સ્થાનનું વર્ણન કરે છે.
દાયકાઓથી આપણે જોતાં આવ્યા છીએ કે વિશ્વની અનેક મોટી નદીઓ (ઉદાહરણ તરીકે, નાઇલ) ધીરે-ધીરે લુપ્ત થઈ રહી છે, એમાંના પાણી ઓસરી રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે. છેલ્લા પાંચ-છ હજાર વર્ષોની અંદર પૃથ્વીએ પુષ્કળ ભૌગોલિક ફેરફારો અનુભવ્યા છે. જે વાત મહાભારત તેમજ વેદોપનિષદ પરથી પણ જાણવા મળે છે. યાદવાસ્થળી બાદ, એમની અસ્થિને દ્વારકાથી મથુરા લઈ જતી વેળાએ શ્રી કૃષ્ણનાં ભાઈ બલરામે સરસ્વતી નદીનાં સૂકા વહેણ પાસેથી પ્રવાસ કર્યો હોવાનું વર્ણન મહાભારતમાં છે. પરત ફરતી વખતે તેમણે પોતાની યાત્રામાં વચ્ચે-વચ્ચે ઘણા આશ્રમો અને ઋષિમુનિની મુલાકાત લીધી, જેઓ સરસ્વતી નદીને કિનારે વિકસી ચૂકી સભ્યતાની વાતને સમર્થન આપતાં હતાં.
કદાચ આ તમામ ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે, મહાભારત લખાયું ત્યાં સુધીમાં સરસ્વતી નદી લુપ્ત થવાને આરે હતી અને પછીનાં થોડા સમય બાદ તેનું નામોનિશાન મટી ગયું. સરસ્વતી નદીનાં કાર્બન-ડેટિંગ (એક પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ, જેમાં કોઇપણ વસ્તુ-સ્થળ કેટલા વર્ષ જૂની છે એ વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે) અને મહાભારત લખાયું એ સમય (આજથી 5000 વર્ષો પહેલા)ની સરખામણી કર્યા બાદ આધુનિક જગત અચંબિત થઈ ગયું છે. તત્વચિંતકો અને વૈજ્ઞાનિકો વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે અગર સરસ્વતી નદીનાં અસ્તિત્વનું પ્રમાણ મળ્યું છે તો એનો સીધો મતલબ એ થાય કે મહાભારત પણ થયું હતું! સંજોગાવસાત, શ્રીમદ ભાગવતમમાં બલરામને સરસ્વતી નદીની સૌથી મોટી શાખા યમુનાનાં વહેણને બદલવા માટે જવાબદાર માનવામાં આવ્યા છે. ત્યારબાદ તો દુષ્કાળ, ભૂકંપ અને બીજા કુદરતી પરિબળોને કારણે સરસ્વતી સાવ લુપ્ત થતી ગઈ.
કેટલાક સાહિત્યોમાં સરસ્વતી નદીનાં વહેણ સૂકાઈ જવાને લીધે તળમાં પડી ચૂકેલી તિરાડોનું પણ વર્ણન છે. મુઘલો જ્યારે ભારત (દિલ્હી) આવ્યા ત્યારે આ કારણોસર જ એમણે નદીનો માર્ગ પસંદ ન કરતાં પહાડોનો દુર્ગમ માર્ગ પસંદ કર્યો. આમ જોવા જાઓ તો વાસ્તવમાં, સરસ્વતી નદીનાં વહેણનો રસ્તો એમને ખાસ્સો ટૂંકો પડી શકે એમ હતો! પરંતુ કારણ એ હતું કે સરસ્વતી નદીનાં તળની તિરાડો ઓળંગીને પેલી બાજુ જવા તેઓ સક્ષમ નહોતાં. ‘લેન્ડસેટ’ (અમેરિકાનાં રીમોટ સેન્સિંગ સેટેલાઇટ) તરફથી પણ એ વાતની પુષ્ટિ પ્રાપ્ત થઈ છે કે ગુજરાત અને રાજસ્થાનની જમીનોએ જોયેલા ભૂકંપને કારણે સરસ્વતી-સિંધુ ખીણમાં ઘણા મોટા ખાડાઓ આકાર પામ્યા છે! આમ છતાં કેટલીક જગ્યાએ ખાડામાંથી નીકળી રહેલા નદીનાં વહેણે આધુનિક વિજ્ઞાનને એ માનવા પર મજબૂર કરી દીધા કે સરસ્વતી નદીનું અસ્તિત્વ હજુ પણ ભૂગર્ભમાં ક્યાંક હોવું જોઇએ.
દસ હજાર વર્ષો પહેલા જ્યારે હિમાલયમાંથી વહેતી મોટી નદીઓ અસ્તિત્વ ધરાવતી હતી, ત્યારે (હાલનું) રાજસ્થાન રણ નહોતું. ભારતની પશ્ચિમે આવેલું આ રાજ્ય લીલોતરીસભર, ઠંડુ અને ખુશનુમા વાતાવરણ ધરાવતું હતું. 6000 વર્ષ પછી સરસ્વતી નદીનો પ્રવાહ ઘટતો ગયો, પાણીનું વહેણ ધીમું થતું ગયું. એક સમય એવો આવ્યો જ્યારે રાજસ્થાનમાંથી સરસ્વતી નદીનું નામોનિશાન મટી ગયું. અને એ સ્થળ પર રચાઈ ગયું અફાટ, ગરમ, શુષ્ક રણ!