મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં નાદાન પરીંદે, છૈયા છૈયા, દિલ સે ફેમ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર અને નિરૂપમા ડે શહેરીજનોને ડોલાવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા. 25ના રોજ રાત્રે 8-30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિએટર, રેસકોર્ષ ખાતે પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ સંગીત સંધ્યા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના વરદહસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી- કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરની મ્યુઝિકપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે. આ સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર, સહાયક કલાકાર નિરૂપમા ડે (સારેગામા ફેઈમ) તથા મ્યુઝિશિયનોની ટીમ અને એન્કર તરીકે ભીમસિંઘ કોટલ વગેરે અવનવા ગીતો રજૂ કરી શહેરીજનોને ડોલાવશે. શ્રીશાન વાડેકર એક એવું નામ જે મેલોડીનો પર્યાય છે. તેઓ છેલ્લા 20 વર્ષથી પર્ફોમિંગ કલાકાર તરીકે લોકોના દિલોદિમાગને વશ કરી રહ્યા છે. ઔરંગાબાદમાં એક પરિવારમાં જન્મેલા અને ઉછરેલા શ્રીશાન એક ઉત્કૃષ્ટ ક્રિકેટર હતા. ઘણી કોલેજ અને જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં રમ્યા બાદ તેને આ રમત પસંદ કરી હતી. 16 વર્ષની ઉંમરે તેમણે હિન્દુસ્તાની કલાસિકલ વોકલ્સની તાલીમ લેવાનું શરૂ કર્યું જ્યારે તેમને તેની અંદર રહેલા સાચા કલાકારનો અહેસાસ થયો. તેમણે તેના સાચા જુસ્સાનો પીછો કરવાનો અને એક ગાયક તરીકેની તેની કુશળતાને હાંસલ કરવાનો નિર્ણય કર્યો. શ્રીશાને અભિજીત, અલ્કા યાજ્ઞિક, નેહા કક્કર અને ભુપેન્દર સિંઘ જેવા અનેક અગ્રણી બોલીવુડ પ્લેબેક સિંગર્સ સાથે પર્ફોમન્સ આપ્યું છે.
આ સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નિમંત્રણ પાઠવ્યું છે.