બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની રેડમાં 72 ગ્રામ સોનું સીઝ
પ્રાઈમ ઇમ્પેક્સ, કબીર મેટલમાંથી એલ્યુમિનિયમ ફોઈલ કબ્જે કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્થિત બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ટીમ દ્વારા બાતમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પેલેસ રોડ ઉપર સ્થિત મનુભાઈ જ્વેલર્સમાં ગ્રાહકોને હોલમાર્ક વિનાનું સોનું વેચાણ કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો હતો. જેથી ટીમ દ્વારા 72 ગ્રામ જેટલું સોનું સીઝ કરવામાં આવ્યું હતુ. જ્યારે રાજકોટના પ્રાઇમ ઇમ્પેક્સ અને શાપર વેરાવળના કબીર મેટલમાંથી હોલ માર્ક વિનાની એલ્યુમિનિયમ ફોઈલનું વેચાણ થતું હોવાનું ખુલતા હોલમાર્ક વિનાની ફોઈલ કબજે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
હવે આ બાબતનો કેસ રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે અને ત્યાર બાદ માલિકને દંડ અથવા સજાનું એલાન થશે.બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની રાજકોટ ઓફિસના જોઇન્ટ ડાયરેક્ટર સત્યેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે, BISની ટીમ દ્વારા કરાયેલા ચેકિંગમાં શહેરના પેલેસ રોડ ઉપર લેન્ડમાર્ક જયવંતલીલા એપાર્ટમેન્ટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાન્ટ ફ્લોર ઉપર આવેલી મનુભાઈ જ્વેલર્સ નામની દુકાનમાં ISI હોલમાર્ક વિનાના સોનાના દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેથી ત્યાં ડિસ્પ્લેમાં રાખેલી સોનાની 9 રીંગ અને 3 ચેન મળી 72 ગ્રામનું સોનું સીઝ કરવામાં આવ્યું હતું. આ દુકાન નવી જ શરૂ થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી અમારી ટીમ દ્વારા સ્થળ પર દુકાનના માલિક પાસે બીઆઈએસ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટના સાંઈબાબા સર્કલ પાસે સદભાવના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એલ્યુમિનિયમ ફોઈલના 152 જેટલા બંડલ સીઝ કરવામાં આવ્યા હતા. કારણકે તેના પર પણ ISI માર્ક લગાવવામાં આવ્યો ન હતો. જ્યાં એલ્યુમિનિયમ ફોઈલના 12 રોલ અને લુઝ ફોઇલના 14 રોલ હતા. ઊપરાંત શાપર વેરાવળના ગુજરાત લેથ પાસે આવેલા કબીર મેટલમાંથી હોલમાર્ક વિનાના 12 જમ્બો રોલ કબજે કરવામાં આવ્યા હતા.