કષ્ટભંજનદેવ : સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના
નારાયણ કુંડથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા : ભાવિકોની ભારે ભીડ : 151 કિલોની કેક કપાઇ
આજે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર દિવસ ભકતો હનુમાનજીના દર્શન કરી શકશે. સાથે જ 151 કિલોગ્રામની કેક પણ કાપવામાં આવશે. આજે હનુમાનજીનો વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજીને 7 કરોડ રૂપિયાના સોના મઢિત વાઘા પહેરાવાયા છે.

- Advertisement -
હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી. નારાયણ કુંડથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગજરાજ, ઘોડાગાડી, ડી.જે.ના તાલ સાથે મોટી સંખ્યામાં હરિભકતો યાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં હરિભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રામાં ડ્રોનથી આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બે વર્ષ બાદ ધામધૂમથી સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી થઇ.
બીજી તરફ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શ્રી હનુમાન જયંતી મહોત્સવ પર્વે તા. 15 મીના બપોરે ત્રણ કલાકે દાદાની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પવિત્ર શ્રી નારાયણકુંડથી વાજતે ગાજતે જય જયકારના ઘોષ સાથે નીકળેલ હતી જે શોભાયાત્રામાં સર્વ સંતો સાથે હતા તેમજ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ શોભાયાત્રાની ઉત્સવ મૂર્તિ રૂપે દર્શન આપેલ હતા તેમજ આ શોભાયાત્રામા હાથીની સવારી ઉપર શ્રી હનુમાનજી મહારાજની સવારી નીકળેલ તેમજ આ શોભાયાત્રામાં હાથી, બગી, ઘોડાગાડી, બળદગાડી, ઘોડા વગેરે આકર્ષક જમાવેલ તેમજ 108 બાળકો દાદાના વિજયી ધ્વજ સાથે જાડાયેલ હતા.

- Advertisement -
તેમજ આફ્રિકન સિદી ડાન્સ જબરદસ્ત આકર્ષક જમાવેલ. ડી.જે. નાસિકના ઢોલ બેન્ડવાજા વગેરે સંગીતની ટિમ સાથે ભક્તોને શોભાયાત્રામાં મંત્રમુગ્ધ કરેલ અને 251 કિલો પુષ્પ અને 25 હજાર ચોકલેટ સંતો દ્વારા દર્શનાર્થીઓને આપેલ હતી.


