મોરબી જીલ્લા તેમજ આસપાસના જીલ્લાની મહિલાઓ સંચાલિત સખી મંડળની બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજના ચલાવવામાં આવે છે સાથે સાથે મહિલાઓ દ્વારા તૈયાર કરેલી ચીજ વસ્તુઓનું વેચાણ થાય તે માટે અલગ અલગ શહેરમાં સખી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. મોરબી જીલ્લામાં પણ અલગ અલગ સમયે આ મેળા થતા હોય છે ત્યારે મોરબીના એલ ઈ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારથી સખી મેળાની શરુઆત કરવામાં આવી છે. આ મેળામાં મોરબી જીલ્લાના 28 ગામના, નગરપાલિકા વિસ્તારના 7 તેમજ અન્ય જિલ્લાના 15 બહેનોએ મળીને કુલ 50 જેટલા સ્ટોલ ઉભા કર્યા છે જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરેલી ચીજ વસ્તુઓ વેચાણ કરવામાં આવી રહી છે. આ સખી મેળામાં રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના શાસનના ભાગરૂપે અલગ અલગ ઝાંખી રાખવામાં આવી છે.
રાજ્ય સરકારના રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આ સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનનો રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો બાદમાં દીપ પ્રાગટ્ય કરાવી સ્ટોલ ખુલ્લો મુકાવ્યો હતો. આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ સખી મેળામાં સખી મંડળની બહેનોના લાભાર્થે સખી મેળા તેમજ છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીના લેખાજોખાની ઝાંખી કરતા પ્રદર્શનનું આયોજન કરાયું છે