મુંબઈ ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી શીશામાં ઉતાર્યા : કેનેડા રહેતી પુત્રી પાસે પૈસા માંગતા ફ્રોડની જાણ થઈ
સુપ્રીમ કોર્ટ અને રીઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નરની સહી અને બૅંકનો સિક્કા મારેલા દસ્તાવેજ મોકલ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ પોલીસ માટે માથાના દુખાવારૂપ બની ગયા છે બીજી તરફ સરકારની જાગૃતિ વચ્ચે પણ સાયબર માફિયાઓ વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરી કરોડો રૂપિયા તફડાવવામાં સફળ થઇ રહ્યા છે ત્યારે રાજકોટના નિવૃત શિક્ષકને મુંબઈ ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવણી હોવાની બીક બતાવી ડીજીટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ છે. રાજકોટમાં જૂના એરપોર્ટ રોડ ઉપર પત્રકાર પત્રકાર સોસાયટી પાસે એકજાનનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત સરકારી શિક્ષક કુરબાન વલીજી બદામી ઉ.76એ બે મોબાઈલ નંબર ધારક અને ત્રણ બેન્ક ખાતા ધારક સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પત્ની દુરૈયાબેન સાથે રહે છે. બે પુત્રીઓ પૈકી મોટી દિકરી સબનમ ઓસ્ટ્રેલીયા રહે છે. જયારે નાની પુત્રી ઈશરત કેનેડામાં રહે છે. ગઈ તા.29-10નાં ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. અને કોલ કરનારે ‘હું જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલું છું, આ તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલીંગ અને સાયબર આતંકવાદમાં થયેલ છે, તેમ કહ્યું હતું. આથી તેણે અમે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી નથી તેમ કહેતા તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાસો કરવા જણાવ્યું હતું.
આથી તેને અમે સિનિયર સીટીઝન છીએ મુંબઈ, જઈ શકાય તેમ નથી. તેમ કહેતા કોલ કરનારે હું તમને મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે સંપર્ક કરાવી આપીશ. ફોનમાં ખુલાસો કરી આપજો એમ જણાવ્યું હતું. થોડીવાર બાદ વોટસએપ નંબર પર વીડીયોકોલ આવ્યો હતો. જેમાં પોલીસની વર્દી પહેરેલા શખ્સે પોતાની ઓળખ પોલીસ સબ ઈન્સ્પેકટર શંકર સુરેશ પાટીલ તરીકે આપી હતી. ત્યાર બાદ તેણે નામ પુછી પરિવારની તમામ વિગત પુછતા તેને જણાવી હતી. એટલુ જ નહી આધાર કાર્ડ નંબર માંગતા આપ્યા હતાં. જેથી વિડિયો કોલ કરનારે તમારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજયમાં ખાતા ખુલેલા છે. મની લોન્ડ્રીંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાયું છે. સાયબર આતંકવાદમાં તમારૂ આધારકાર્ડ વપરાયું છે જેમાં 10 વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. તેમ કહેતા તેને અમે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી નથી તેમ જણાવતાવીડીયોકોલ કરનાર શખ્સે અત્યારે તમને ફીઝીકલ એરેસ્ટ કરતા નથી. પરંતુ તમને ડીજીટલ એરેસ્ટ કરવામાં આવે છે. જો અમે જણાવીએ તેમ કરશો તો તમને આ સાયબર આતંકવાદના કેસમાં રાહત આપીશું. બાદમાં આ શખ્સ તેને વારંવાર વિડિયો કોલ કરી તમારી સંપત્તી શંકાના દાયરામાં છે. તમારે તમારી તમામ પ્રોપર્ટી લીકવીટાઈઝ કરી આરબીઆઈમાં રોકડા રૂપિયા જમા કરાવવા પડશે. તે રૂપીયા કેશ પુર્ણ થયા પછી તમને વ્યાજ સહિત મળી જશે. એટલું જ નહીં કોલ કરી કરનાર શખ્સે તેને વોટસએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબ્બીશંકરની સહી અને બેંકના સીક્કો મારેલ દર્શાવેલ દસ્તાવેજ મોકલ્યા હતાં. એટલું જ નહી જે બેંક ખાતામાં રૂપીયા જમા કરાવવાના હતાં. તેની વિગતો મોકલતા ગભરાઈને તેના અને તેની પત્નીના ખાતામાંથી અલગ અલગ ખાતાઓમાં 1.14 કરોડ ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ તેણે તે શખ્સોને વધુ નાણા ન હોવાનું જણાવતા તે શખ્સોએ જો તમે હજી 10 લાખ નહી ભરો તો તમને ફીઝીકલ એરેસ્ટ કરવામાં આવશે. તમારી બન્ને દીકરીઓને દેશથી ડીપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે. પરંતુ પોતાની પાસે વધુ નાણા ન હોવાથી તેની નાની પુત્રી ઈશરત પાસે પૈસા માંગતા તેણે આ ફોડ હોવાનું જણાવતાં અંતે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ કૈલા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
13 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 5 કટકે 1,14,55,000 પડાવ્યા
ફરિયાદી વૃધ્ધે જણાવ્યું હતું કે તેમને 29-10ના રોજ પહેલો કોલ આવ્યો હતો ત્યારથી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા જુદી જુદી ધમકી આપી પૈસાની માંગણી કરતા ગત 3 તારીખે મારા ખાતામાંથી 65 લાખ, 4 તારીખે 25 લાખ, મારી પત્નીના ખાતામાંથી 5 તારીખે 10 લાખ, 7 તારીખે 10 લાખ અને 10 તારીખે 4.55 લાખ ટ્રાન્સફર કર્યા હતા તારીખ 29-10થી 10-11 સુધી એમ 13 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને પૈસા પડાવ્યા હતા.
- Advertisement -
મરણમૂડી અપાવવામાં પોલીસ અને ટેક્નોલોજી બંને ફેઈલ
સાયબર માફિયાઓ વૃદ્ધોને ટાર્ગેટ બનાવી મરણમૂડી પડાવી રહ્યા છે જે અંગે ફરિયાદ નોંધાઈ છે અને આરોપી પણ પકડાઈ છે પણ એ આરોપી માત્ર ખાતા ભાડે આપનાર હોયુ છે જયારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી મરણમૂડી ગુમાવનાર લોકોને પૈસા પરત અપાવવામાં પોલીસ અને પોલીસની ટેક્નોલોજી બંને નિષ્ફ્ળ નીવડી રહી છે.
અગાઉ બે વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.59 કરોડ પડાવી લીધાની તપાસ હજુ ઠેરની ઠેર
રાજકોટમાં રહેતા બીપીસીએલના નિવૃત મેનેજર અશ્વિનભાઈ તલાટીયાને 7 જુલાઈ 2024ના રોજ સાયબર માફિયાઓએ મુંબઈ પોલીસની ઓળખ આપી મની લોન્ડરિંગ કેસમાં ફિટ કરવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 26 જુલાઈ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી તેમની મરણ મૂડી સમાન 1.03 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા જે અંગે 45 દિવસ પછી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી તે પછી નિવૃત બેન્ક મેનેજર મહેન્દ્રભાઈ મહેતાને પણ સેમ મોડ્સ ઓપરેન્ડીથી ઓક્ટોબર મહિનામાં સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી 56 લાખ રૂપિયા પડાવી લીધા હતા આ અંગે 7 નવેમબરે ફરિયાદ નોંધાઈ હતી બંને વૃદ્ધના 1.59 કરોડ સાયબર માફિયાઓએ પડાવી લીધા પરંતુ હજુ સુધી તપાસ ઠેરની ઠેર છે.



