રાજકારણીઓ-પદાધિકારીઓની સાંઠગાંઠ વગર સાગઠિયા આટલી હદે ભ્રષ્ટાચાર કરી શકે-એ વાતમાં કોઈ માલ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
રાજકોટ ભાજપના નેતાઓએ જ સાગઠિયાનો ઉપયોગ કરીને અનેક ટી.પી. સ્કીમમાં ગોટાળા કર્યા અને અબજો કમાયા અને તેમાંથી સાગઠિયાને પણ કમિશન આપી દેતા હતા. આવા અનેક દસ્તાવેજો એસીબીને હાથ લાગ્યા હોવાથી ઘણા ભાજપ-કોંગ્રેસ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, ભાજપ પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોએ ટી.પી. સ્કીમમાં જમીન કપાત, રોડ કાઢવા, ફાઈનલ પ્લોટના વિવાદ જેવી બાબતો ઉપરાંત ટી.પી. સ્કીમ બહાર પડે તે પહેલાં જ માહિતી લઈને સોદા પાડી નાખવા સહિતની બાબતોમાં અબજો કમાયા છે. આ ઉપરાંત 25 મીટર સુધીની ઊંચાઈના બાંધકામ પ્લાન મંજૂર કરવામાં અને ગેરકાયદે બાંધકામોના હપ્તા અને લાંચ ઉઘરાવવામાં પણ સાગઠિયા અને ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ખૂબ ભ્રષ્ટાચાર આચર્યો છે. સાગઠિયાએ કરોડો બનાવ્યા એ વાત એસીબીએ તપાસમાં બહાર લાવી પણ હવે તેની સાથે સાથે કોણ કોણ સંડોવાયેલું હતું અને કઈ કઈ કામગીરીમાં ગેરરીતિ કરી તે સાબિત કરવું પણ એસીબી માટે ફરજિયાત બન્યું છે.
કારણ કે, આ કેસમાં લાંચ આપનાર કોઇ સામે આવશે નહિ. લાંચ આપનારાઓને શોધવા માટે એસીબીએ અનેક દસ્તાવેજો અને કમ્પ્યૂટરનો ડેટા તેમજ મેસેજના આધારે લિસ્ટ બનાવ્યું છે. આ દસ્તાવેજો અને વાતચીતોમાં સૌથી વધારે કાગળો ભાજપ-કોંગ્રેસના નેતાના વ્યવહારોના મળ્યા છે. સાગઠિયા સાથે હવે કોઇની સાઠગાંઠ બહાર આવે તો સીધા જ ટીઆરપીના કેસમાં જોડાઈ જાય જેથી ભાજપ-કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ છે. ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ ભાગીદારી ઉપરાંત જે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓએ એફએસઆઈ, ટી.પી. કપાત, ફાઈનલ પ્લોટ વિવાદ, પસંદગીની જગ્યાએ કપાતની જમીન મેળવવી સહિતના કૌભાંડો પણ આચર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. આ અંગે હાઈકોર્ટના આદેશથી રચાયેલી સત્ય શોધક સમિતિ પણ આ અંગેની તપાસ કરી રહી છે. જે નામો સાગઠિયા સાથે કૌભાંડમાં ભાગીદારી અને કમિશનબાજીમાં ચર્ચામાં છે તેમાં અનેક રાજકારણીઓના અને બિલ્ડરોના નામ ખૂલ્યા છે.
- Advertisement -
પૂર્વ ખકઅ અને કોર્પોરેટર સાગઠિયાને મળવા ક્રાઈમ બ્રાન્ચે ગયા હતા
રાજકોટમાં લોકસભા, વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી હોય ત્યારે પડદા પાછળ રહીને કામગીરી કરતા ભાજપના એક ટોચના નેતા અને ભાજપના જ એક કોર્પોરેટર એમ.ડી. સાગઠિયાને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પણ ગયા હતા અને ત્યાં અનેક મુદ્દે સાગઠિયા સાથે ચર્ચા કરી હતી. રાજકોટના પોલીસ કમિશનરે નિમેલી સીટના અધિકારીએ આ બંને નેતાઓને શા માટે એમ.ડી. સાગઠિયાને મળવા દીધા તે પણ તપાસનો મુદ્દો છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચના સીસીટીવી ચેક કરાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. જોકે સીટના એસીપી બી.બી. બસિયાએ આ વાતનો ઈનકાર કર્યો છે, પરંતુ સીસીટીવી ક્યારેય ખોટું ન બોલે ત્યારે રાજકોટમાં નવા નિમાયેલા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ઉપરોક્ત બાબતે તપાસ કરાવે તો અનેક અધિકારીઓના તપેલાં ચડી જાય તેમ છે.