35 વર્ષીય સાગર રબારી ઘરમાં જ એકાએક ઢળી પડ્યા: હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જ બે દિવસમાં 6 લોકોનાં હાર્ટ-એટેકથી મૃત્યુ થયાં છે. સુરતમાં 26 વર્ષનો યુવાન ગરબાની પ્રેક્ટિસ કરી ખુરસીમાં બેઠો અને ઢળી પડ્યો, રાજકોટમાં 42 વર્ષનો શખસ ટૂ-વ્હીલર પર જતો હતો અને છાતીમાં દુખાવો થતાં ઊભો રહ્યો અને ઢળી પડ્યો. જામનગરમાં એક 13 વર્ષના કિશોરનું અને જેતપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકના કારણે અવસાન થયું છે. ત્યારે આજે મોડાસામાં એક 35 વર્ષીય રબારી ભુવાજીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
- Advertisement -
મોડાસામાં ધોલવાણી ગામે રહેતા 35 વર્ષીય સાગર રબારી પોતે ચેહર માતાજીના ભગત હતા અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે ખૂબ પ્રસિદ્ધ હતા. તે દરમિયાન તેઓ પોતાના ઘરે જ હતા. એ સમયે એકાએક છાતીમાં દુખાવો ઊપડતા ઢળી પડ્યા હતા. પરિવારના સદસ્યો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે સાગર રબારીનું એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આમ અરવલ્લીમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હોય એવી ત્રીજી ઘટના સામે આવી છે. યુવાનોમાં આવી વધતી જતી ઘટનાઓને લઈ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખૂબ જ ચિંતા વ્યાપી છે.
4 જિલ્લામાં હાર્ટ એટેકના 18,208 કેસ મળ્યા
ઓક્ટોબર મહિનાના પહેલા 8 જ દિવસમાં અમદાવાદમાં જ 523 કેસ સામે આવ્યા છે. આ ડેટા પ્રમાણે ગુજરાતમાં હાર્ટ એટેકના જેટલા કેસો સામે આવી રહ્યા છે, એમાંથી લગભગ અડધા એટલે કે 48.53 ટકા કેસ માત્ર 4 મોટાં શહેર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી નોંધાયા છે. 108 ઈમરજન્સી સેવાને મળેલા કેસ પ્રમાણે એપ્રિલ 2023થી લઇને 8 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદમાં 11,140, રાજકોટમાં 2483, સુરતમાં 2747 તો વડોદરામાં 1838 કેસો સામે આવ્યા છે અને રાજ્યમાં દૈનિક 60થી વધુ હાર્ટ-એટેકના કોલ 108ને મળી રહ્યા છે.