સનાતન વૈદિક ધર્મમાં જીવાત્મા અને શિવાત્માની વિભાવના છે. કોઇ પણ જીવની ગતિ શિવ ભણી હોવી જોઇએ.
મુંડકોપનિષદમાં પ્રસિદ્ધ શ્લોક છે. એમાં કહ્યું છે કે શિવ અને જીવ એક જ વૃક્ષ પર રહેનારાં બે પંખીઓ છે. આ બંને વચ્ચે ભેદ શો? ઉપનિષદ કહે છે કે જીવ નામનું પક્ષી વૃક્ષનાં ફળોને ભોગવી લેવામાં રત રહે છે. જ્યારે શિવ નામનું પક્ષી ફળનો સ્વાદ માણતું નથી, માત્ર તેને સાક્ષીભાવે જોઇ રહે છે. મનુષ્યનાં સુખ અને દુ:ખનું કારણ આ તફાવતમાં રહેલું છે. જીવ શિવનો જ અંશ હોવા છતાં જીવને હજારો દુ:ખ છે, જ્યારે શિવના સ્વરૂપને કોઇ દુ:ખ સ્પર્શી શકતું નથી. જીવને ખબર નથી કે એ શિવનો જ અંશ છે કારણ કે તેનું ત્રીજું નેત્ર ખૂલ્યું નથી. શિવજી પાસે જ્ઞાનનું ત્રીજું નેત્ર છે. જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક છે. તિબેટી લામાઓ કપાળમાં બે નેત્રોની વચ્ચે આવેલી ભૃકુટિમાં અણીદાર ઓજાર ભોંકીને શિવનેત્ર ખોલવાની મિસ્ટિક પ્રક્રિયા અપનાવે છે. આપણે ત્યાં કપાળમાં ચાંદલો અથવા તિલક કરીને તેમ જ ભૃકુટિબિંદુએ એકાગ્રતા કેળવીને ત્રીજું નેત્ર સિદ્ધ કરવાનો ઉપાય સ્વીકારવામાં આવ્યો છે. જ્ઞાનનું નેત્ર એ જ ત્રીજું નેત્ર. સાક્ષીભાવ એ જ જીવમાંથી શિવ બનવાની સાધના.
જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક
