1971ના ડીસેમ્બર મહિનાની 16મી તારીખ હતી. સવારના 8 વાગ્યાનો સમય હતો. આપણી સેનાની એક ટુકડી તરફથી વાયરલેસ પર સંદેશો આવ્યો કે અમે અત્યારે શક્કરગઢ વિસ્તારના જરપાલ નામના પ્રદેશમાં છીએ. પાકિસ્તાની સેનાની ટેંકો તોપમારો કરી રહી છે. આપણી પાસે પુરતી ટેંકો નથી. તાત્કાલિક મદદ મોકલો નહીંતર આ લોકો આપણી સીમામાં ઘુસી જશે. અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી લડતા રહીશું. અમારા વિસ્તારની નજીકમાં હોય એવી ટુકડીને મદદ માટે મોકલો.”
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
સંદેશો મળતા જ માત્ર 21 વર્ષની ઉંમરના સેક્ધડ લેફટનન્ટ અરૂણ ખેત્રપાલ એમની ટીમ સાથે જરપાલ જવા રવાના થઈ ગયા. અરૂણ એમનો સામાન પેક કરતા હતા ત્યારે ગોલ્ફની રમતનો ડ્રેસ પણ સામાનમાં સાથે લીધો. સાથી મિત્રએ કારણ પૂછયું તો અરૂણે જવાબ આપતા કહ્યું, “લાહોરમાં ગોલ્ફ રમવી છે અને મને ખાતરી છે કે જીત મેળવીને આપણે લાહોર કબજે કરીશું.” અરૂણ ખેત્રપાલ એની “ફામાગુસ્ટા ઉંડ 202” નામની ટેંક પર સવાર થઈને દુશ્મનોના દાંત ખાટા કરવા માટે નીકળી પડયા. સામે દુશ્મનોની સંખ્યા ખૂબ મોટી હતી આમ છતા પૂરી હિંમત સાથે ટક્કર આપી. એકલપંડે એમણે દુશ્મનોની ચાર- ચાર ટેંકોનો ખાત્મો બોલાવ્યો. પાકિસ્તાન ભારતીય સીમામાં ઘુસવાના પ્રયાસો કરી રહ્યું હતું પણ ભારતમાનો આ વીર જવાન એમ કંઇ થોડા પાકિસ્તાનીઓના મનસૂબા પૂરા થવા દે. પાકિસ્તાની ટેંકે અરૂણની ટેંક પર હુમલો કર્યો. અરૂણ ઘાયલ થઈ ગયો અને ટેંક પણ સળગવા લાગી. સળગતી ટેંક સાથે અને લોહીલુહાણ શરીરે પણ અરૂણ દુશ્મનો પર ગોળીઓ વરસાવી રહ્યો હતો. કમાન્ડર કેપ્ટન વી. મલ્હોત્રાએ રેડિયો પર અરૂણ ખેત્રપાલને સૂચના આપી “તમે ટેંક છોડીને કૂદી પડો. નજીકમાં હોય એવી બીજી ટેંકનો સહારો લઇ લો.” અરૂણે ખુમારી સાથે કહ્યું, “સર, મને માફ કરજો પણ હું ટેંક છોડીને નહીં જઇ શકુ. મારી ટેંક ભલે સળગતી હોય પણ મારી ગન ચાલુ છે અને હજુ ગોળીઓ વરસાવે છે. હું આ હરામીઓનો ખાત્મો બોલાવી દઇશ.”
- Advertisement -
અરૂણ એ જાણતો હતો કે ટેંક મૂકીને ભાગવાનો મતલબ દુશ્મનોને આ દેશની સીમામાં પ્રવેશ આપવા માટેનો પરવાનો આપવો એવો થાય. “મારા જીવતા તો હું પાકિસ્તાનીઓને ભારતની પવિત્ર ધરતી પર પગ મૂકવા નહીં દઉં.” આટલું કહી અરૂણ ખેત્રપાલે રેડિયો સ્વીચ ઓફ કરી દીધો અને ગોળીઓનો વરસાદ વરસાવ્યો. એક ગોળી આવીને અરૂણના શરીર સોંસરવી નીકળી ગઇ. લોહીથી લથબથ આ નરબંકાએ છેવટ સુધી દુશ્મનો સામે એકલે હાથે લડાઇ લડી અને પછી ત્રિરંગાને સલામ કરીને આંખો મીંચી લીધી. અરૂણ ખેત્રપાલની વીરતાને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવી છે તથા એની સ્મૃતિ કાયમ રહે તે માટે નેશનલ ડીફેન્સ એકેડેમીના પરેડ ગ્રાઉન્ડને તથા ઇન્ડિયન મિલિટરી એકેડેમીના ઓડિટોરિયમને અરૂણ ખેત્રપાલનું નામ આપવામાં આવ્યું છે. દેશના સીમાડાઓની સુરક્ષા કરનારાઓના બલિદાન વિસરાઈ ન જાય એનું ધ્યાન રાખીએ અને એક નાગરિક તરીકેની આપની ફરજો યોગ્ય રીતે નિભાવીને આવા રાષ્ટ્રભક્તો સાચી શ્રદ્ધાંજલિ આપીએ.