કિવના મેયર વિટાલી ક્લિત્સ્કો કહે છે કે રવિવારની વહેલી સવારે થયેલા હુમલાને કારણે રાજધાનીમાં અનેક ઉંચી ઇમારતોમાં આગ લાગી હતી
આક્રમણ શરૂ થયા પછી રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો
- Advertisement -
રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપ સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ યુદ્ધનો હાલ કોઈ અંત દેખાતો નથી. શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ રવિવારે યુક્રેનની રાજધાની કીવમાં કેબિનેટ ઈમારત સહિત 37 સ્થળો પર 800થી વધુ ડ્રોન અને મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં જાનહાની મોટી થઈ નહોતી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ હુમલાના પગલે ઝેલેન્સ્કીએ ફરી દાવો કર્યો કે પુતિનનો યુદ્ધ રોકવાનો કોઈ ઈરાદો નથી.
યુક્રેનની એરફોર્સના પ્રવક્તા યુરી ઇહનાટે કહ્યું કે, રશિયાએ રવિવારે વહેલી સવારે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ ડ્રોનની સાથે અલગ અલગ પ્રકારની ખતરનાક 13 મિસાઈલો છોડી હતી. રશિયાએ યુક્રેનમાં એક જ સમયે 37 સ્થળો પર હુમલો કર્યો હતો. જોકે, યુક્રેને રશિયાના 747 ડ્રોન અને ચાર મિસાઈલ તોડી પાડયા હતા. રશિયાના ડ્રોન અને મિસાઈલોનો કાટમાળ યુક્રેનમાં 8 સ્થળો પર પડયો હતો.
યુક્રેને કહ્યું કે, લાંબા સમય પછી રશિયાએ રાજધાની કીવમાં કેબિનેટની ઈમારત પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી ઈમારતની છત અને ટોચના માળમાં કેટલીક જગ્યાએ આગ લાગી હતી. આ હુમલામાં એક નવજાત સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. કેબિનેટ ઈમારતની ટોચ પરથી આગના દૃશ્યો અને ધૂમાડા નીકળતા જોઈ શકાતા હતા. રશિયા અત્યાર સુધી યુક્રેનની સરકારી ઈમારતોને નુકસાન પહોંચાડવાનું ટાળતું હતું.
- Advertisement -
યુક્રેનના ઈમર્જન્સી અધિકારીઓએ કહ્યું કે, રશિયાના હુમલામાં ડાર્નિત્સ્કીમાં ચાર માળની રહેણાંક ઈમારતના બે માળમાં આગ લાગી હતી, જેથી ઈમારતને ભારે નુકસાન થયું હતું. આ સિવાય ક્લિટ્સ્કો અને ઈમર્જન્સી અધિકારીઓએ કહ્યું કે, કીવની પશ્ચિમે સ્વિયાતોશિન્સ્કી જિલ્લામાં પણ એક બહુમાળી ઈમારતને ભારે નુકસાન થયું છે.
રશિયાના હુમલા અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ક્હયું કે, પોતે શાંતિ સમજૂતી માટે વાતચીત કરવા પુતિનને મળવા તૈયાર છે. તેમણે યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પને રશિયા પર પ્રતિબંધો વધારવા ભલામણ પણ કરી હતી. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં જ રશિયાએ યુક્રેન પર 1300થી વધુ ડ્રોન હુમલા કર્યા છે. આ સાથે 900 ગાઈડેડ બોમ્બ અને વિવિધ પ્રકારની ૫૦ મિસાઈલોથી યુક્રેનને ઘણું નુકસાન પહોંચાડયું છે. સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવા રશિયા પર પ્રતિબંધો વધારવા જોઈએ, યુક્રેનને મજબૂત સૈન્ય સમર્થન આપવું જોઈએ અને યુક્રેનને લાંબાગળાની સુરક્ષા ખાતરી આપવી જોઈએ.