ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ ખાતે ગણેશ વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં શહેરીજનો ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા આવી રહ્યા છે. મનપાના અધિકારી રાજેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ, પાંચમા દિવસે, રવિવારના રોજ, વિસર્જન માટે આવેલી મૂર્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
શહેરમાં ઘરે-ઘરે, સોસાયટીઓ અને શેરીઓમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે મનપાના કુંડમાં વિસર્જન માટે ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. રવિવાર, એટલે કે ગણેશ વિસર્જનના પાંચમા દિવસે, એક જ દિવસમાં કુલ 800 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ આંકડા સાથે, પ્રથમ પાંચ દિવસમાં કુલ 1065 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં થયું છે. આ આયોજનથી પર્યાવરણની સુરક્ષા સાથે ધાર્મિક પરંપરાનું પાલન સુનિશ્ચિત થયું છે.