RSSના ચીફ મોહન ભાગવતે ગુરુવારે ચીફ ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે સંઘ પ્રમુખની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. RSS પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે, RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ એક સામાન્ય સંવાદ પ્રક્રિયાનો ભાગ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડૉ મોહન ભાગવતે ગુરુવારે ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મોહન ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે એક મહિનામાં આ બીજી બેઠક છે. આ પહેલા મોહન ભાગવતે મુસ્લિમ બુદ્ધિજીવીઓની પાંચ સભ્યોની ટીમ સાથે મુલાકાત કરી હતી.
- Advertisement -
ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે સંઘ પ્રમુખની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જે બંધ રૂમમાં થઈ હતી. RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ અંગે જણાવ્યું કે, RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ એક સતત સામાન્ય સંવાદ પ્રક્રિયાનો ભાગ છે. ઉમર અહેમદ ઇલ્યાસી સાથેની બેઠક દરમિયાન મોહન ભાગવતની સાથે સંઘના કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર રહ્યા.
22 ઓગસ્ટે પણ યોજાઈ હતી બેઠક
આ પહેલા સંઘ પ્રમુખ ભાગવતે 22 ઓગસ્ટે મુસ્લિમ બુદ્ધિજીવીઓની એક પાંચ સભ્યોની ટીમ સાથે બેઠક કરી હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને હિન્દુ-મુસ્લિમોની વચ્ચે ગાઢ થઈ રહેલી ખાઈને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મળી કામ કરવા માટે ભાગવતે સંઘના ચાર સભ્યોની નિમણૂક કરવાની વાત કરી હતી.
- Advertisement -
"RSS Sarsanghchalak (chief Mohan Bhagwat) meets people from all walks of life. It's part of a continuous general "Samvad" process," says the Akhil Bharatiya Prachar Pramukh of RSS, Sunil Ambekar https://t.co/RsYk7oIbHR
— ANI (@ANI) September 22, 2022
બુદ્ધિજીવીઓ તરફથી કરવામાં પહેલ
પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશી, પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ સઈદ શેરવાની RSS વડા મોહન ભાગવતને મળ્યા હતા. મોહન ભાગવતને મળવાની પહેલ મુસ્લિમ બુદ્ધિજીવીઓ તરફથી કરવામાં આવી હતી. આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભાજપ પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીથી સ્થિતિ બગડી હતી.
પત્ર લખીને ભાગવત પાસે માંગ્યો હતો સમય
પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ મીડિયાને જણાવ્યું હતું કે, દેશમાં બગડતી સાંપ્રદાયિક સૌહાર્દ પર ચિંતન કરવા માટે પહેલા અમે પાંચ સભ્યોએ અંદરોઅંદર વાતચીત કરી. આ દરમિયાન બધાએ નક્કી કર્યું કે સંઘના વડા મોહન ભાગવતને મળવું જોઈએ અને તેમની સાથે તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ. આ પછી સંઘ પ્રમુખને પત્ર લખીને મળવા માટે સમય માંગવામાં આવ્યો હતો, જેના પર તેમણે લાંબા સમય બાદ 22 ઓગસ્ટે સમય આપ્યો હતો.
શાહિદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આ દરમિયાન દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને આંતર-સમુદાયિક સંબંધો સુધારવા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન સંઘના વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમને ઇસ્લામથી, કુરાનથી અને મુસ્લિમોથી કોઈ સમસ્યા નથી. આવી સ્થિતિમાં આપણે પણ ગેરસમજને દૂર કરવી જોઈએ અને એકબીજા માટે પોત-પોતાના દિલના દરવાજા ખોલવા જોઈએ.