ગુજરાત સરકાર દ્વારા ત્રણ ફેઝમાં બનનારા રોડની કામગીરીના પ્રથમ ફેઝને મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઔદ્યોગિક ઝોનમાં આવેલ સિરામિક ફેકટરીને જોડતા મોટાં ભાગના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે.
- Advertisement -
દિવસભર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી ટ્રાફીક જામ અને અકસ્માતની સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે ત્યારે આ સમસ્યા ઉકેલવા સિરામિક એસોસિએશન દ્વારા ધારાસભ્યથી લઇ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ત્રણ ફેઝમાં રોડ રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે પ્રથમ ફેઝમાં રૂ. 376 કરોડના ખર્ચે કુલ 31 રસ્તાના કામને મંજૂરી મળી જતા આં રોડના કામ આગામી દિવસોમાં શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ તમામ રોડ સિરામિક ઉદ્યોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને આરસીસી રોડ બનવાના છે જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થશે. આ ઉપરાંત બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે. આમ કુલ 96 જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દૂર થવાની આશા સેવાઈ રહી છે.