કમિશન એજન્ટ એસો.એ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી
80થી વધુ દલાલોના રૂ.24 કરોડ ફસાયા, ઢોલરીયા બંધુઓની તાત્કાલિક ધરપકડ કરવા ઉઠી માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીરાના ભાવમાં મોટી ઉથલ પાથલ થવાના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડની ત્રણ પેઢીઓ નબળી પડતા વેપારીઓ અને દલાલના આશરે 24 કરોડ રૂપિયા ફસાઈ જતા ગઈકાલથી માર્કેટિંગ યાર્ડમાં અચોકકસ મુદતનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અપાયેલા અમુદતી બંધના એલાનના પડઘા રાજયભરના માકેટીંગ યાર્ડો પર પડયા છે. ત્યારે આજે કમીશન એજન્ટ એસોસિએશનએ રાજકોટ પોલીસ કમિશ્નરને એક અરજી કરેલી છે. જેમાં જે.કે. ટ્રેડિંગના માલિકો બિપિન ઢોલરીયા અને નિતેશ ઢોલરીયાને પકડી પાડવા વિનંતી કરાઈ છે.
ચાલુ સાલ જીરાના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. જીરાના ભાવમાં આવેલા વેરિેઅશનના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બીપીનભાઇ ઢોલરિયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ કંપની, અનિલભાઇની માલીકીની દિપકભાઇ એન્ડ સન્સ નામની પેઢી ઉપરાંત મોહનલાલ કોટવાણી નામના આસામીની અમન ફુડસ નામની પેઢી નબળી પડી છે. યાર્ડના 80 થી વધુ દલાલોના 24 કરોડથી વધુ રૂપિયા સલવાયા છે. જેનો કોઇ નિવેડો ન આવતા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અચોકકસ મુદત માટે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ગત વર્ષ જીરાના ભાવ આસમાને આંબ્યાં હતા. જયારે આ વર્ષે ભાવમાં મોટો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે પેઢીઓ નબળી પડી છે. હવે માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરવો દલાલ મિત્રો માટે ખુબ જ જોખમી બની ગયો છે. કારણ કે કમિશનની ટકાવારી માત્ર 1 ટકો છે. જયારે જોખમ 100 ટકા રહેલું છે. દર વર્ષ કોઇ એક જણસીના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળે છે. જેનો ભોગ દલાલો બનતા હોય છે. જયારે જણસીના ભાવમાં મોટો ઉતાર ચઢાવ આવે ત્યારે માલની ખરીદી કરનારા વેપારીઓ હાથ ઉંચા કરી દે છે. જેના કારણે દલાલોએ નુકશાની વેઠવી પડે છે. બીજી તરફ નિયમો પણ આકરા હોવાના કારણે યાર્ડમાં વેપાર કરવા સરળ નથી રહ્યા.
- Advertisement -
રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરાઈ
અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે; જે.કે.ટ્રેડિંગ દ્વારા આપવામાં આવેલો સત્તર કરોડ ઓગણીસ લાખ પચાસ હજાર ઓગણસાઈઠ (17,19,50,059) રૂપિયાના ચેક દ્વારા છેતરપિંડી કરાઈ હોવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં આ બંને ઢોલરીયા બંધુઓ ફરાર છે. તેમજ બન્નેના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા છે. તમામ વેપારીઓને શંકા છે કે આ બન્ને વેપારીઓ વિદેશ ભાગી જશે. તો આવું ન બને એ માટે બંન્નેના પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતા તાત્કાલિક અસરથી બ્લોક કરવામાં આવે. તેમજ વેપારીઓને ઝડપી પાડીને અમારા પૈસા પરત મળે એ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન રાજકોટ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને વિનંતી સભર અરજી કરાઈ છે.