40 ઝુંપડા તથા બે ઓરડીનું દબાણ હટાવાયું: 17433 ચો.મી. જગ્યા ખુલ્લી કરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં અવારનવાર ભૂમાફિયાઓ દ્વારા વર્ષોથી જમીન પર પેશકદમી કરવામાં આવે છે. ભૂમાફિયાઓ દ્વારા ખાનગી પ્લોટમાં જ નહીં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને તેને ભાડે આપીને આવક ઉભી કરી નાખવામાં આવે છે ત્યારે આજે મ્યુ. કમિશનર અમિત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 9 રાજકોટ (અંતિમ) તથા 7 નાના મવા (અંતિમ)ના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મનપાને પ્રાપ્ત થતાં અનામત પ્લોટમાં ગેરકાયદેસર દબાણ, બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં શીતલ પાર્ક ચોક, વન વર્લ્ડની બાજુમાં 150 રીંગ રોડ પરના ટી.પી. સ્કીમ નં. 9 રાજકોટ, અંતિમ ખંડ નં. સી. 7 (વાણિજ્ય હેતુ) થયેલ બે ઓરડીનું બાંધકામ દૂર કરીને 12533 ચો.મી. જેની કિં. રૂા. 100 કરોડ તથા ધોળકિયા સ્કૂલ પાછળ, રામપાર્કની બાજુમાં, 150 રીંગ રોડ પરના ટી.પી. સ્કીમ નં. 7 નાના મવા, અંતિમ ખંડ નં. 3-3-એ (રહેણાંક હેતુ) ગેરકાયદેસર ખડકાયેલા 40 ઝૂંપડા દૂર કરીને 4900 ચો.મી. જેની કિં. 29 કરોડની જમીન ખુલ્લી કરી હતી. આમ બંને મળીને 17433 ચો.મી. જેની કિં. 129 કરોડની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.