હડાડીયા નજીક બ્રિજની કામગીરી 2-3 મહિનામાં પૂર્ણ થઈ જશે
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે મિડીયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેની કામગીરી ચાલુ છે ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ થાય અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર થાય તે માટે સરકાર ચિંતિત છે અને કાર્યરત છે. ખુદ મુખ્યમંત્રી દ્વારા આ કામગીરી અંગે સમયાંતરે સમીક્ષા કરી અધિકારીઓને વહેલીતકે આ કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે. તબક્કાવાર કામ થઇ પણ રહ્યું છે, જેમાં સાયલાથી લીંબડી સુધીના રસ્તાનું કામ સંપૂર્ણ પૂર્ણ થઇ ગયું છે, એમાં કોઈપણ જાતનું કામ બાકી નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી લીંબડી અને લીંબડીથી અમદાવાદ સુધીના અંતરમાં મુખ્યત્વે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ખાતે ફ્લાયઓવર બ્રિજ અને બગોદરા નજીક બ્રિજમાં રોડ બનાવવાની કામગીરી તેમજ સર્વિસ રોડ કામગીરી બાકી છે. આવી જ રીતે કુવાડવા ગામ નજીક બંને બાજુ 6-6 કિલોમીટર સર્વિસ રોડનું કામ બાકી છે જે ટૂંક સમયમાં એટલે કે આગામી દોઢથી બે માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજ માટે ડિઝાઇન નક્કી થઇ ગઈ છે અને એજન્સીને કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવી શરૂ કરવા માટે 9 મહિના જેટલો સમય લાગશે.
સાયલાથી લીંબડી સુધીના રસ્તાનું કામ પૂર્ણ: ડૉ. દર્શિતાબેન શાહ



