મેયર કે કમિશનર રખડતાં ઢોરનો શિકાર બનશે ત્યારે જ પગલાં લેવાશે?
રાજકોટના રૈયાધારમાં બે વૃદ્ધા ઉભા હતા અને અચાનક બે આખલાએ ઢીંક મારી પછાડ્યા, બંનેને ગંભીર ઇજા
રાજકોટમાં 22 માર્ચના રાત્રિના સમયે મવડી વિસ્તારમાં વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર પાસે બે આખલા લડતા લડતા બાઇક પર પડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને વેપારીની પાંસળીઓ ભાંગી ગયાની ઘટના બની હતી. આ ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં રૈયાધાર વિસ્તારમાં બે વૃદ્ધા ઉભા હતા અને બે આખલા અચાનક ધસી આવી ઢીંક મારી પઠાડી દીધા હતા. બંને વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આખલાના હુમલાથી ઘવાયેલા બંને વૃદ્ધાના પરિવારની મહિલાઓએ સિવિલ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું. રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા કેસરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા આજે સવારે ક્વાર્ટર નજીક ઉભા હતા. ત્યારે અચાનક બે આખલા ધસી આવ્યા અને બંનેને ઢીંક મારી પછાડી દીધા હતા. આથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં બંનેના પરિવારજનોએ મનપા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ઢોર પકડવાની કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના ઘટતા લોકોમાં રોષ ભભૂક્યો છે. શું રાજકોટ મનપાનાં પદાધિકારીઓ રખડતાં ઢોરનો શિકાર બનશે ત્યારે જ પગલાં લેવાશે?
નવસારીમાં ગદર્ભે અડફેટે લેતાં સિનિયર સિટીઝનને ઈજાની ઘટનામાં કોર્ટનાં આદેશથી FIR નોંધાઈ હતી
રાજકોટ મહાપાલિકાનાં પદાધિકારીઓ અને કમિશનર સામે ફરિયાદ ક્યારે?
રખડતાં પશુઓથી લોકોનાં જીવનનું રક્ષણ કરવું પાલિકાની ફરજ, છતાં હજુ પણ માર્ગો પર ઠેર-ઠેર ઢોરનાં અડીંગા
નવસારીમાં બે વર્ષ પહેલા આખલા લડાઈમાં નવસારી શહેરની કંસારા સમાજની વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આખલાએ ઢીંક મારતા ગંભીર ઇજાઓ થયાની અનેક ઘટનાઓ બનતી રહીં છે. બે વર્ષ પૂર્વે જ નવસારીમાં ગધેડાએ અડફેટે લેતા સિનિયર સિટીઝનને ઈજાની ઘટનામાં કોર્ટનાં આદેશથી 1 વર્ષ બાદ ચીફ ઓફિસર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સામે FIR નોંધાઈ હતી. રખડતા પશુથી લોકોના જીવનનું રક્ષણ કરવું પાલિકાની ફરજ છે અને આમાં ફરજ ચૂક થાય તો પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ શકે છે. તેવી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાલિકાને ભાન કરાવતી પ્રથમ ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ સમગ્ર કિસ્સાની નોંધ લઈ રાજકોટ મહાપાલિકાનાં કમિશનર અને પદાધિકારીઓ પર ફરિયાદ નોંધાવી જોઈએ.
- Advertisement -
નવસારીના નદીમ અબ્દુલગની કાપડિયા (રહે. ગાર્ડનવ્યુ રેસિડન્સી, યશફીન હોસ્પિટલ પાછળ, નવસારી)એ નવસારી નગરપાલિકાનાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ અને સ્ટે.કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવાણી વિરૂદ્ધ (બંનેનું સરનામું નવસારી નગરપાલિકા) વિરૂદ્ધ આઈપીસીની કલમ 166, 89, 90, 338, 338 અને 144 મુજબ ફરિયાદ નોંધાવી હતી. નવસારીમાં ગત 6/8/2019નાં રોજ તેમના વૃદ્ધ પિતા અબ્દુલગની કાપડિયા દવા લેવા ટાવરથી ગોલવાડ મુકામે મેડિકલ સ્ટોરમાં જતા હતા ત્યારે બંસીધર દુકાન પાસે બે ગધેડા લડતા લડતા આવ્યા હતા અને તેમાંથી એક ગધેડાએ તેમના પિતાને અડફેટે લીધા હતા. જેને પગલે તેમના ડાબા પગના થાપાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા થયા બાદ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ-2 મુજબ ઢોરની વ્યાખ્યામાં ગધેડાનો સમાવેશ પણ થાય છે. તેમની ફરજ છે કે તેમના દ્વારા જાહેર રસ્તા ઉપર ફરતા ગધેડાઓને અને પશુઓને રસ્તા પરથી દુર કરી સલામતીવળી જગ્યાએ ખસેડવાના હોય છે તેમ છતાં ચીફ ઓફિસર અને સ્ટે.ચેરમેન દ્વારા ફરજ ન નિભાવતા તેમના પિતાને અકસ્માત કર્યો છે. તે વખતે પોલીસે કોઈ કાર્યવાહી કરી અરજી દફતરે કરી હતી પરંતુ કોર્ટમાં એડવોકેટ સી.પી. નાયક અને નદીમ કાપડિયા દ્વારા અરજી મુકતા કોર્ટે તેમની દલીલોને ધ્યાને લઇ પોલીસને તુરંત ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. કોર્ટનો ચૂકાદો એક વર્ષ પછી આવ્યો પણ હવે રખડતા ઢોર દ્વારા થતી ઈજા નગરપાલિકાનાં શાસકોને દઝાડશે તેમ લાગી રહ્યું છે.


