મહાનગરપાલિકાને વેરા વસૂલાતમાં બે છેડા નહીં ભેગા થાય
સરકારી લેણા સહિતના મોટા બાકીદારો સામે મનપા ઘૂંટણિયે પડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાને ચાલુ વર્ષે 410 કરોડ રૂપિયાની વેરાની વસૂલાત કરવાનો લક્ષ્યાંક બજેટમાં આપવામાં આવ્યો હતો. જે પૈકી મોટાભાગની રકમ તો મિલકતધારકોએ પોતે જ સામેથી ભરી આપી છે અને ઘણાને તેમાંથી વેરા વળતર યોજનાનો સારો એવો લાભ મળ્યો છે. જાન્યુઆરી માસ આવ્યો એટલે વેરા વસૂલાત શાખા દોડતી થઈ હતી. જોકે અત્યાર સુધીમાં કુલ વેરા આવક માંડ 360 કરોડ રૂપિયા થઈ છે.
વેરા વસૂલાત શાખામાં બે વર્ષ પહેલાં મોટા ફેરફાર કરીને રિકવરી સેલ ઊભો કરવામાં આવ્યો હતો. જેની એકમાત્ર કામગીરી માત્રને માત્ર બાકીદારો પાસે ઉઘરાણી કરવાની હતી. બાકીની તમામ વહીવટી કામગીરી બીજા કર્મચારીઓને અપાઇ હતી. જોકે ચાલુ વર્ષે આ રિકવરી સેલ જ વિખેરાયો હોય તેમ કામગીરી થઈ રહી નથી. સીલિંગ અને નોટિસ આપવાની ઝુંબેશ ચાલી રહી છે પણ તે નાના બાકીદારો સામે થઈ રહી છે.મોટા બાકીદારો તેમજ સરકારી લેણા પર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેના બચાવ માટે અધિકારીઓ કહે છે કે, માર્ચ એન્ડિંગમાં સરકારી કચેરીઓને ગ્રાન્ટ આવતી હોય છે તેમાંથી વેરા બિલ જમા થશે. જોકે માર્ચ તો દર વર્ષે આવે છે પણ સરકારી કચેરી દર વર્ષે વેરો ભરતી નથી તે પણ હકીકત છે. જ્યારે મોટા બાકીદારો કે જેની મિલકતો ટાંચમાં લઈને હરાજી કરીને રકમ મેળવી શકાય છે તે મામલે અધિકારીઓ મૌન થઈ રહ્યા છે. ઘણા સમયથી મિલકતોને ટાંચમાં લેવા નોટિસ તો આપવામાં આવે પણ અત્યાર સુધીમાં એકપણ મિલકતની હરાજી કરવામાં આવી રહી નથી.