ઑફિસ ધારકો પાસેથી 2,50,000 ઉઘરાવી લીધા
આર.કે. પ્રાઈમ-2ના પ્લાન મુજબ પાર્કિંગ ટેરેસ પર દર્શાવ્યું છે, પરંતુ અપાયું નહીં!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોશ એરીયા ગણાતા 150 ફૂટ રીંગ રોડના મહાપૂજાધામ ચોક આવેલા આર.કે. પ્રાઈમ-2ના ઑફિસ ધારકો દ્વારા બિલ્ડરોએ પાર્કિંગનાં પૈસા ઉઘરાવતાં રેરા (ગુજરાત રીયલ એસ્ટેટ ઓથોરીટી) તથા મહાનગરપાલિકાને આવેદન પાઠવી રજૂઆત કરી છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આર.કે. પ્રાઈમના બિલ્ડરોએ ઑફિસ ધારકો પાસેથી અગાઉ પાર્કિંગના રૂપિયા ઉઘરાવી લેતા ઑફિસ ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આર.કે. પ્રાઈમમાં સુવિધાના નામે હાલ મીંડુ છે. આર.કે. પ્રાઈમના બિલ્ડરો સરેઆમ ટાઉન પ્લાનીંગના નિયમોનો ઉલાળિયો કર્યો છે. આર.કે. પ્રાઈમના પ્લાન મુજબ પાર્કિંગ ટેરેસ પર પણ દર્શાવ્યું છે. પરંતુ હકીકતમાં ટેરેસ પર પાર્કિંગ કરવામાં આવ્યું નથી. ઑફિસ ધારકોની રજૂઆત મુજબ બેઝમેન્ટ-1ના ઑફિસ ધારકો પાસેથી બિલ્ડરોએ રૂ.2,50,000 રૂપિયા ઉઘરાવ્યા છે. જ્યારે પાર્કિંગના નામે અંદાજે 40 જેટલા ઑફિસ ધારકો પાસેથી રૂ.250000 ઉઘરાવ્યા બાદ તેની સ્લિપ કે કોઈ પુરાવા પણ આપ્યા નથી. અને જો આ ચાર્જ ન આપે તો વાહનોને પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી. આમ અંદાજે ઑફિસ ધારકો પાસેથી કરોડો ખંખેરી લીધા બાદ હાથ ઉંચા કરી લીધા છે. ઑફિસ ધારકોની રજૂઆત મુજબ આર.કે. ગૃપના તમામ બિલ્ડીંગમાં આવા છબરડાં જોવા મળી રહ્યા છે. તમામ બિલ્ડીંગોમાં આવી જ રીતે પાર્કિંગના નામે નિયમો વિરૂદ્ધ ઑફિસ ધારકો પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા છે.
ઑફિસ ધારકોએ અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
ઑફિસ ધારકોએ લિફ્ટ, પાર્કિંગ મુદ્દે અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી છે છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. બિલ્ડીંગના પ્લાન પ્રમાણે બાંધકામ કરવામાં આવેલું નથી. છતા તેના પર કાયદેસરના પગલા લેવાયા નથી.