પ્રસ્થાન:
“મજા આવીને દીકરા?”, શિકારીએ તેના દીકરાને પૂછ્યું.
“હા, પણ પપ્પા મને એ ન સમજાયું કે આ વાઘ તો માણસોનાં માથા કાપીને પોતાના ઘરમાં ટીંગાડતા નથી તો પછી શિકાર શુંકામ કરતાં હશે?”, તેના ચાર વર્ષનાં દીકરાએ પૂછ્યું.
કાલે ધુરંધર ફિલ્મ રિલીઝ થયું. હિંસાના અતિરેક અને અધધ સાડા ત્રણ કલાકના રનટાઈમન લીધે વાજબીપણે તેની સરખામણી એનિમલ ફિલ્મ સાથે થઈ રહી છે તો એનિમલ ફિલ્મ જોઈને ઉદ્ભવેલા અમુક વિચારો અહીં પ્રસ્તુત છે: એનિમલ મુવીનું ટ્રેલર જોયું હોય તો તેમાં અનિલ કપૂર રણબીર કપૂરને કહે છે કે મને ખબર નથી કે છોકરાને કેવી રીતે ટ્રેઈન કરવો અને રણબીર કહે છે કે તમે મને સરસ ટ્રેઈન કર્યો છે. બસ, આ ડાઇલોગથી જ ફિલ્મમાં બાપ બેટા ની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે. ટ્રેઈન તો જાનવરને કરવાના હોય ને – પાલતુ બનાવવા માટે!
- Advertisement -
એનિમલ રિલીઝ થઈ ત્યારથી હિંસા, સ્ત્રીદ્વેષ, કામુક દૃશ્યો, અભદ્ર ભાષા વગેરે કારણોને લીધે તેનો વિરોધ થાય છે તો સામે આ બધું બાજુ પર મૂકીને તેને પૈસવસુલ મનોરંજન માનવાવાળા પણ છે. હું અપેક્ષા રાખીને ગયો હતો એક્શન જોવાની પણ મૂવીમાં વાંગાએ ઠેરઠેર આપણી આસપાસના સમાજની તેની માનસિકતાની, આપણા દંભની જે ઠેકડી ઉડાડી છે તે જોતાં મને ફિલ્મ ડાર્ક હ્યૂમર અને સટાયર જોનરની વધુ લાગી.
સગાઈના ફોટોશૂટ વખતે રશમિકાના ચહેરા પર કે પ્લાસ્તિકિયું સ્મિત હોય અને નજર રણબીર કપૂર પર હોય, તેની માસી કે ફઈ દ્વારા થતું ધરમનો ભાઈ બનાવવાનું ડિંડક હોય; સંદીપ ક્યાંય આપણી ઠેકડી ઉડાવવાથી ચૂકતો નથી. કટાક્ષની પરાકાષ્ઠા તો રણબીર આલ્ફા મેલની વ્યાખ્યા સમજાવે ત્યારે આવે છે. ઘણીવાર તક જોઈને કવિતાઓ કે લેખો ફટકારતાં તકવાદી કવાઓ ને લેખકડાઓ પર ગજબ કટાક્ષ છે. (કે પુરુષ માદાનું રક્ષણ કરવા સમર્થ ન હોય તે તેને આકર્ષવા કવિતા લખે, ખીખીખી!) યુરોપની પ્રજાના જર્મની, હિટલર પ્રત્યેના દ્વેષની પણ મજાક જી ઉડાવી છે. મૂવીમાં છેલ્લે રણબીર રશ્મિકા ને કહે કે મે જ્યારે 200 લોકોને માર્યા ત્યારે તને આટલો ગુસ્સો નતો આવ્યો અને હવે એક છોકરી સાથે સૂતો તો તને બળતરા થઈ ગઈ એ પણ જોરદાર કટાક્ષ છે. છેલ્લે છેલ્લે લોહિયાળ ફાઇટ વખતે પણ મેરા ભાઈ બોલ નહિ સકતા ઓર મેરા ભાઈ સુન નહિ સકતા જેવી સ્થૂળ રમૂજ પણ મૂકી છે જેની પર ઓલરેડી ઘણાએ રિલ બનાવી છે. હજી પણ ઘણું બધું લખી શકાય છે ફિલ્મમાં કરેલા વ્યંગ પર.
ફિલ્મ કેવી છે? જેવો વિરોધ થયો છે એવી બિલકુલ નથી. રણવિજયના પાત્રને મિસોજેનિક, હિંસક કહેનારા ફિલ્મને સરખી સમજ્યા નથી એવું લાગે છે. ફિલ્મ મનોરંજન માટે હોય એવો બચાવ નથી પણ એ જે કરે છે તે બધું પરિવારના બચાવ માટે હોય છે. બધું રીએકશન હોય છે એક્શન નહિ! ઇન્ટરવલ પછી જ્યારે એક ગજબ સીનમાં રણબીર સાવ દિગંબર અવસ્થામાં આંટા મારતો હોય છે તે જાણે કે માણસમાંથી આદિમાનવ તરફનું ડીવોલ્યુશન! અને તેના સાથીઓ પણ કોઈ આદિમ કબિલાની જેમ જ તેની ઉજવણી કરે છે. ઉપરથી ઉપરથી હિંસક, કામુક લાગતો રણવિજય અંદરથી પરિવાર ને પ્રેમ કરતો માણસ પણ હોય છે ગીતાંજલિના તેના મમ્મી પપ્પા સાથેના સંવાદથી ખબર પડી જવી જોઈએ. તે દુશ્મનને પણ એકવાર સુલેહ કરવાનો મોકો આપે જ છે. હા, ઇન્ટર્વલ બ્લોક, બોબીની એન્ટ્રી કે એન્ડ વખતના અમુક સિનમાં હિંસાનો અતિરેક છે જે ટાળી શકાયો હોત.
- Advertisement -
રણબીર કપૂર માટે હું ખૂબ ખુશ છું. બોસ, જે રેન્જ બતાવી છે બાકી. છેલ્લી દસ મિનિટમાં પણ તેણે અઝીઝનું પાત્ર જે ખૂબીથી નાયક કરતા અલગ ઉપસાવ્યું છે તે જોતાં તે બીજા બધા નવા હીરો કરતાં જોજનો આગળ છે અદાકારી બાબતે તે સ્પષ્ટ છે. ફિલ્મમાં એકપણ ગીત નકામું કે કટાણે આવેલું નથી લાગતું કે ડિરેક્ટરની ખૂબી છે.
બાકી લોજીક અમુક હદ સુધી ઘરે રાખીને જોવો તો સારું રહે. કાશ, બીબીને વધુ સ્ક્રીન ટાઇમ મળ્યો હોત. રશ્મિકાએ જે સીન માટે તેના સૌથી વધુ મિમ બન્યા તે જ સીનમાં આખી ફિલ્મની તુલનામાં સૌથી સારી એક્ટિંગ કરી છે. બાકીના કલાકારોનું કામ સરસ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મનો મુખ્ય નાયક છે.
પૂર્ણાહુતિ:
મેં થોડા સમય પહેલાહરકિસન મહેતાની ’પીળા રૂમાલની ગાંઠ’ વાંચી હતી. તેમાં ઇસ્માઇલ ઠગનું પાત્ર જે રીતે ઠંડા કલેજે હત્યા કરે છે એ જોતાં જો આના પર મૂવી કે સિરીઝ બને તો તે જોઈને એનીમલથી ઓફેન્ડ થનારાઓને હાર્ટ એટેક આવી જ જવાનો!



