જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ અને રસ્તાની મરામત પર ભાર મુકાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પુલ, રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં મંત્રીએ જિલ્લામાં કરવામાં આવેલા કાર્ય અંગે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્રના વિવિધ વિભાગોના તમામ અધિકારીઓ એકબીજા સાથે પરસ્પર સંકલન સાધી જનસુખાકારીને લક્ષમાં રાખી સુનિયોજીત કામગીરી કરે એ હિતાવહ છે. વધુમાં મંત્રીએ મહત્વપૂર્ણ ચર્ચા કરી જિલ્લાના મુખ્યમાર્ગો અને પુલોનું નિરીક્ષણ કરી સમારકામને પ્રાથમિકતા આપવા સહિત જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ, બાળકો પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળામાં વિદ્યાર્થીઓની સગવડતાઓ અને રસ્તાની મરામત પર સવિશેષભારમૂક્યોહતો.