1,94,402 કરદાતાએ એડવાન્સ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો: તા. 31 મે સુધીમાં મહત્તમ વળતર મેળવવા કરદાતાઓને અપીલ
મે માસમાં મિલ્કત ધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર
ખાસ-ખબર સંવાદદાતા
મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે સને 2022-23ના વર્ષમાં તા. 31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા. 30 જૂન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું હાલ ચાલુ છે જેમાં આજે તા. 17-05-22 સુધીમાં 1,94,402 કરદાતાઓએ એડવાન્સ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂા. 102 કરોડની રકમ ભરપાઈ કરી છે. આ યોજના હેઠળ ચાલુ મે માસમાં તા. 31 સુધીમાં મહત્તમ વળતર મેળવવા કરદાતાઓને મેયર, ચેરમેન અને કમિશનરે અપીલ કરી છે. વિશેષમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે તા. 17-5-22 સુધીમાં 1,94,402 કરદાતાઓએ કુલ રૂા. 102.05 કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. ગત નાણાંકીય વર્ષમાં આજના દિવસે કુલ રૂા. 39 કરોડની રકમ કરદાતાઓએ ભરપાઈ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ પેમેન્ટ કરનાર કરદાતાઓએ આશરે કુલ રૂા. 11.50 કરોડનું વળતર મેળવેલું છે. 1,24,139 કરદાતાઓએ ઓનલાઈન ટેક્સ પેમેન્ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂા. 61.41 કરોડની રકમ ભરપાઈ કરેલી છે.
આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં 11,334 કરદાતાઓએ વ્યવસાય વેરા પેટે રૂા. 4.84 કરોડની રકમ ભરપાઈ કરેલ છે. ગત વર્ષે આજના દિવસે 6843 કરદાતાઓએ રૂા. 3.24 કરોડની રકમ ભરપાઈ કરી હતી.