મહર્ષિ પતંજલિએ જે આઠ અંગો આપણને જણાવ્યા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એમાં ખૂબ મહત્ત્વનું અંગ એ પ્રત્યાહાર છે
મોર્નિંગ મંત્ર ડૉ.શરદ ઠાકર
કડી, સુરત, અંકલેશ્વર, પોરબંદર અને આદિપુર (કચ્છ) આટલા બધા સ્થાનોમાંથી અલગ-અલગ મિત્રોએ અલગ-અલગ શૈલીમાં એક પ્રશ્ર્ન પૂછ્યો છે. બધાની શૈલી અલગ છે પણ જો એનો અર્થ કાઢવા જઈએ તો બધાનો સવાલ એક જ છે : “પ્રત્યાહાર એટલે શું?”
- Advertisement -
પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. મહર્ષિ પતંજલિએ જે આઠ અંગો આપણને જણાવ્યા છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એમાં ખૂબ મહત્ત્વનું અંગ એ પ્રત્યાહાર છે.
ઈન્દ્રિયોને સંપૂર્ણ પણે વશ કરવા માટે પ્રત્યાહાર મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રત્યાહાર શબ્દ સંસ્કૃત તત્સમ હોવાથી થોડો અઘરો લાગે છે, પણ એનો અર્થ હું ખોલી આપું. પ્રત્ય + આહાર એટલે પ્રત્યાહાર. અહીં આહાર એટલે તો ખોરાક, ભોજન અને એને વિશાળ અર્થમાં જોઈએ તો તમામ પ્રકારના ભોગ-વિલાસો અને પ્રત્ય એટલે પાછા વળવું. હવે વધારે સમજાવવાની કદાચ જરૂર જ ન પડે. અર્થ જ સ્પષ્ટ થઈ જાય છે.
આજ-કાલ આપણે જોઈએ છીએ કે મનુષ્યના જીવનમાં, રોજિંદી ક્રિયાઓમાં, એની દિનચર્યામાં કોઈ શિસ્ત કે સંયમ જેવું રહ્યું નથી. આપણે ગમે ત્યારે ઉઠીએ છીએ, ગમે ત્યારે રાતના વહેલા-મોડા નિંદ્રાવશ થઈએ છીએ, ભોજનનો સમય પણ નિશ્ર્ચિત હોતો નથી, નિયમિત રહેતા નથી, ખોરાક બાબતમાં આપણે કોઇ સજાગતા કે સભાનતા રાખતા નથી, ક્રમબદ્ધ આહાર પચે એટલું જ ભોજન લેવું, નિયમિત રહેવું, આ બધાનું આપણને પાલન કરવું પડે પણ આપણે કરતા નથી. કોઈ જગ્યાએ મુલાકાત માટેનો સમય આપ્યો હોય તો આપણે બરાબર સમયનું પાલન કરીને પહોંચી જવું જોઈએ, એ પણ કરતા નથી. આ બધું શિસ્તનો અથવા સંયમનો ભંગ છે. રાત્રે કોઈ મિત્ર આપણા ઘરે બેસવા આવે અને આપણે નકામી વાત-ચિતમાં સમય બગાડીએ પછી એ અધૂરી રહેલી ઊંઘ બીજા દિવસે પુરી કરીએ એ પણ અપ્રત્યાહાર છે. ક્યારેક આપણને ખૂબ ભાવતું ભોજન મળી જાય અને આપણે અકરાંતિયા બનીને તૂટી પડીએ, વધારે પડતું જમી લઈએ એ પણ અપ્રત્યાહાર છે.
સાધના માર્ગની વાત કરીએ તો આપણે ક્યારેક ધ્યાનમાં બેસીએ, ક્યારેક ધ્યાન ન કરીએ એ પણ સ્વેચ્છાચાર છે. આવું બધું કરવાના બદલે જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક ભોગમાં, દરેક ક્રિયામાં સંયમના માર્ગે પાછા વળીએ એ પ્રત્ય, એનું પાલન કરીએ તો એ પ્રત્યાહાર કહેવાય. ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, શિસ્તમાં રાખવી એટલે જ પ્રત્યાહાર.