અમિત દવેએ કામનું ભારણ અને હેલ્થનું બહાનું આગળ ધરી પોતાની જવાબદારીમાંથી મુક્તિ માંગી
અખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં થયેલાં અગ્નિકાંડની આગ બાદ ફાયર વિભાગમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યાં હોય એવી સ્થિતિ છે. કારણકે, હાલ આ વિભાગમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના કોઈ પણ ખૂણેથી કોઈપણ ફાયરનો અધિકારી રાજકોટ આવીને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળવા તૈયાર નથી.
રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કેમ કોઈ તૈયાર નથી? રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આગની ઘટનામાં નાના ભૂલકાઓ સહિત 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગમાં અધિકારીઓ પર તવાઈ બોલાઈ હતી. જેને પગલે આ શહેરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે કામગીરી કરવા માટે કોઈ તૈયાર નથી એ વાતનો પણ ખુલાસો થયો છે. સ્ટેશન ફાયર ઓફિસરમાંથી જેમને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઈ હતી. તે અમિત દવેએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. અગાઉ પણ તેમણે પોતાની જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી. જોકે, તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા આખરે તેમણે આજે મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું ધરી દીધું છે.
રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળી રહેલાં અમિત દવેએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમિત દવેએ જણાવ્યું હતુંકે, રાજકોટમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની 30 ટકાથી પણ વધારે ઘટ છે. રાજકોટ ફાયર વિભાગ પાસે સેફ્ટીના પુરતા સાધનો પણ નથી. વ્યવસ્થાપનનો અભાવ છે. બધા સ્ટ્રેસમાં કામ કરે છે. મારી હેલ્થ સારી નથી રહેતી. બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટોલ આવી ગયા છે. ઘરની જવાબદારી પણ વધી ગઈ છે. સ્ટ્રેસ સતત રહે છે. બીજું કોઈ કારણ નથી રાજીનામું આપવાનું. મારા પર કોઈનું દબાણ નથી. પણ મારે સારું જીવન જીવવું છે એટલે મેં રાજીનામું આપ્યું છે.
- Advertisement -
જામનગરથી કોઇ ફાયર અધિકારી રાજકોટ આવવા તૈયાર નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગરથી ફાયર અધિકારી રાજકોટ લાવવા વિચારણા થઇ હતી પરંતુ જામનગરના અધિકારીએ રાજકોટ કામ કરવામાં રસ ન દાખવતા ફાયર બ્રિગેડની હાલત એવી ને એવી રહી છે. કોઇપણ મિલ્કત પર ડોમમાં ખુલ્લુ બાંધકામ હોય તો તે માન્ય રહે છે પણ ડોમ પેક કરી દેવાયો હોય તો તેમાં ફાયર એન.ઓ.સી. આપી શકાતી નથી. છતાં રાજકોટમાં 14પ જેટલી સ્કુલ અને હોસ્પિટલમાં ડોમ પેક કરી દેવાયા હોવાનું તંત્રના ધ્યાને આવતા તપાસ શરૂ કરાયેલ છે. હાલ ઈમ્પેકટમાં આવેલી અરજીમાં સેલર અને ડોમના બાંધકામોમાં નિયમભંગ હશે તો ઈમ્પેકટ હોવા છતા ફાયર એન.ઓ.સી. આપવામાં નહીં આવે પેકડ ડોમમાં રૂમ જેવો ઉપયોગ કરી શકાતો નથી. ઈમ્પેકટમાં અગાઉ આવી ફાઈલ મંજૂર થયેલી હશે તો પણ ડોમના ગેરકાયદે બાંધકામ હટાવી લેવા પડશે. આ બાદ જ એનઓસી માટે કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.
ચીફ ફાયર ઓફીસરની ધરપકડ થયા બાદ ફાયર વિભાગની કામગીરી ઠપ્પ જેવી છે. છેલ્લા ઇન્ચાર્જ અધિકારી દવેએ પણ આ મુખ્ય જવાબદારીમાંથી મુકિત માંગી છે. જામનગરથી પણ એક ફાયર અધિકારી રાજકોટ લાવવા પ્રયાસ થયા હતા. પરંતુ આ અધિકારીએ પણ રાજકોટ કામ કરવા અનિચ્છા દર્શાવ્યાનું જાણવા મળ્યું છે.