અપૂરતુ પાણી છોડાતા રહેવાસીઓમાં રોષ: મેયરને રજૂઆત
વાલ્વમેન દ્વારા નિયત સમયે વાલ્વ ન ખોલતાં લોકો પાણીવિહોણા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મનપા દ્વારા સાડા છ કરોડના ખર્ચે રાજકોટવાસીઓને પાણી આપવાની મોટી-મોટી વાતો વચ્ચે આજરોજ મનપા ખાતે ધરમનગરના રહેવાસીઓ અપૂરતુ પાણી મળવાની ફરિયાદ સાથે મેયરની ચેમ્બરમાં ધસી ગયા હતા. બાલાજી હોલ પાસે આવેલા ધરમનગરના રહેવાસીઓ આજરોજ મનપા કચેરી ખાતે પાણીની પળોજણ દૂર કરવાની માંગ સાથે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે ઉનાળાની શરૂઆતથી જ આ વિસ્તારમાં અપૂરતુ પાણી છોડવામાં આવે છે તેમજ વાલ્વમેન દ્વારા નિયત સમયે વાલ્વ ન ખોલવામાં આવતાં આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. મનપા અધિકારીઓની મોટી-મોટી વાતો ‘નલ સે જલ’ પરંતુ નળમાં પૂરતુ જળ ન મળતાં રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત પાણી થોડુ છોડવામાં આવતાં ત્યાં મોટર મૂકી પાણી લેતાં મનપાના કર્મચારીઓ પાણી ચકાસણી દરમિયાન આવી હેરાન કરે છે અને મોટર જપ્ત કરી દંડ વસુલી રહ્યા છે જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં પાણી છોડવાના સમયમાં પણ ફેરફાર કરવાની રજૂઆત મેયર ડો. પ્રદિપ ડવને કરવામાં આવી હતી. આ અગાઉ પણ પાણીના અપૂરતા વિતરણ માટે કોઠારીયા સોલ્વ. વિસ્તારના લોકો મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આમ ખરા ઉનાળે જ પાણીના ધાંધિયાથી લોકો ત્રસ્ત થયા છે.