ખાસ-ખબર સંવાદદાતા
રેલનગરમાં ગેરકાયદેસર મસ્જીદનું બાંધકામ અટકાવવા રેલનગરની જાહેર જનતા દ્વારા રાજકોટની સિવિલ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.
રેલનગર રાજકોટ ખાતે આવેલ ઓસ્કાર એનક્લેવ ટાઉનશીપ તથા ધ કોપર ગ્રીન સીટી હાઉસીંગ સર્વીસ કો. ઓપ. સોસાયટી લી. તથા શિતલ પાર્ક-2ના રહેવાસીઓ દ્વારા જાહેર હિતાર્થે કોર્ટ સમક્ષ દાવો દાખલ કરેલ છે. દાવાની હકીકત એવી છે કે રાજકોટ શહેરના વોર્ડ-3ના રેવન્યુ સર્વે નં. 598/પી/3ના ફાઈનલ પ્લોટ નં. 15/2 ખુદીરામ બોઝ ટાઉન શીપના સીંગલ યુનીટ 01/એ ટેનામેન્ટ ધરાવતા હતા અને સલીમભાઈ હબીબભાઈ ગધાકડાવાલા પોતાનુ સદરહુ ટેનામેન્ટ પાડીને કમિશનર રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પાસેથી નવું રહેણાંક માટેનું મકાન બનાવવા માટે બાંધકામ પરવાનગી મેળવેલ છે અને આ રહેણાંકના હેતુ માટે કમિશનર, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બાંધકામ પ્લાન મંજૂર કરેલ છે પરંતુ સલીમભાઈ હબીબભાઈ ગધાકડાવાલા સદરહુ જગ્યાએ રહેણાંકના હેતુ માટેના મકાનના બદલે મસ્જીદનું બાંધકામ ચાલુ કરેલ છે. જે બાંધકામ ચાલુ કરેલ છે તે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને મંજૂર કરેલ બાંધકામ પ્લાનથી તદ્દન અલગ પ્રકારનું બાંધકામ છે તથા રેલનગરના રહેવાસીઓને ધમકી આપતા કહ્યું કે હું આ જગ્યામાં મસ્જીદ બનાવીશ, મદ્રેસા બનાવીશ, માસ-મટન વેચીશ અને આજુબાજુના તમારા બધા લોકોનો જનાજો કાઢીશ આવી ધમકીઓ આપી સલીમભાઈ હબીબભાઈએ આ રેલનગર વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય ઉભું કરેલ છે. રેલનગરની ત્રણેય ટાઉનશીપમાં રહેનારા લોકો સલીમભાઈ હબીબભાઈની આવી પ્રવૃત્તિથી ખૂબ જ ડરી ગયેલ છે તથા રેલનગરના જાહેર જનતાને સલીમભાઈની ખોટી ગેરકાયદેસરની પ્રવૃત્તિથી જાહેર જનતાનું હીત જોખમાઈ તેવી પૂરેપૂરી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.


