ભૌગોલિક ટેન્શનની સાથોસાથ ફુગાવા-કરન્સી વોલાટીલીટીમાં ઉપયોગી; કુલ વિદેશી હુંડિયામણમાં 11.8 ટન સોનું હોવાનો રીપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
સોનાના ભાવોમાં કેટલાંક વખતથી અસામાન્ય અને રેકોર્ડબ્રેક તેજી છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ નાણાં વર્ષ 2025 માં 57.5 ટન સોનુ ખરીદ કર્યું હોવાનું જાહેર થયુ છે. એક જ વર્ષમાં સૌથી વધુ સોનુ ખરીદવામાં આ જથ્થો બીજા નંબરે છે.વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રોમાં ભૌગોલીક ટેન્શન, અમેરિકી ડોલરમાં ઉથલપાથલ, અમેરિકી સરકારી બોન્ડ માથે સંકટના વાદળો સહિતનાં કારણોથી ‘સેફ હેવન’ સમાન સોનુ ખરીદવાનું વલણ અપનાવાયુ છે.માર્ચ 2025 ના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે સોનાનો કુલ સ્ટોક 879.6 ટન થયો છે જે આગલા નાણાંકીય વર્ષના અંતે 822.1 ટન હતો. રિઝર્વ બેન્કે એક વર્ષમાં સૌથી વધુ 66 ટન સોનુ નાણાંકીય વર્ષ 2021-22 માં ખરીદ કર્યું હતું.2022-23 માં 35 ટન તથા 2023-24 માં 27 ટન સોનુ ખરીદ કરાયું હતું.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણી વખતથી ડોલરમાં ઉથલપાથલ શરૂ થઈ હતી અને ત્યારથી માત્ર ભારત જ નહિં વિશ્વભરની દેશોની સેન્ટ્રલ બેંકોની સોનાની ખરીદી વધવા લાગી હતી. સેફ હેવન ઉપરાંત ફુગાવા સામે ‘હેજ’ માટે સોનું ખરીદવામાં આવતુ હોય છે.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે અમેરિકન ટ્રેઝરી તરફ આકર્ષણ ઓછુ થતાં સેન્ટ્રૂલ બેંકનું ફોકસ સોનાની ખરીદી તરફ વળ્યુ હતું. વિશ્વના તમામ દેશો અમેરિકી ટ્રેઝરી તરફથી ધ્યાન હટાવીને સોનાનો સ્ટોક વધારવાનું વલણ અપનાવી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં રીપોર્ટમાં પણ એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે વધતી ગોલ્ડ ડીમાંડમાં વિશ્વની સેન્ટ્રલ બેંકોની મોટી ભૂમિકા રહી છે. 11 એપ્રિલની સ્થિતિએ ભારતના વિદેશી હુંડીયામણ અનામતમાં સોનાનો હિસ્સો 11.8 ટકા હતો જે એક વર્ષ પૂર્વે 8.7 ટકા રહ્યો હતો. ચાલુ વર્ષમાં સોનામાં 30 ટકાનો ભાવ વધારો થયો છે. તેનો પણ રીઝર્વ બેન્કને લાભ મળ્યો છે.ભારતને લાગેવળગે છે ત્યાં સુધી સોનાના સ્ટોકમાં વધારો કરવાથી વિદેશી કરન્સી માર્કેટમાં ઉથલપાથલ સાથે પણ રક્ષણ મળી રહયું છે. જાન્યુઆરીથી નવેમ્બર 2024 માં રીઝર્વ બેન્કે દર મહિને સરેરાશ 6.6 ટન સોનુ ખરીદ કર્યુ હતું.ડીસેમ્બર તથા ફેબ્રુઆરીમાં કોઈ ખરીદી કરી ન હતી જાન્યુઆરી-માર્ચની ખરીદી પણ માસીક એવરેજથી ઓછી હતી.