સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજે(27 નવેમ્બર,2024) વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બુમાબુમ સાંભળીને રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી રહ્યાં હતાં. તો સાથે બસમાં પણ કેટલાંક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉં.વ.45નું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ છે. હાલમાં 20થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં, જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે (27 નવેમ્બર) વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સવારે 5.10 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, 40 માણસોથી ભરેલી માલાણી નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઇ છે, જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.