હજારો લોકોની બેરોજગારી છીનવાતા વેપારીઓમાં રોષ ફેલાયો: જાણ કર્યા વગર એકમો સીલ કરવા કેટલા યોગ્ય?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની દુ:ખદ દુર્ઘટના બાદ વહિવટી તંત્ર દ્વારા શહેરમાં હોટેલ- રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી-પ્લોટ કાફે વિગેરે જગ્યાઓ ઉપર ફાયર એનઓસી તથા બીયુ પરમિશનની કાર્યવાહી દરમિયાન સીલ મારી દીધા છે જેના કારણે અમારા હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી રહી છે ત્યારે હોટેલ- રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ કાફે વગેરે ખોલી અને ધંધો શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ હોસ્પિટાલિટી કે જેની સાથે 9 જેટલા એસોસિએશનો જેવા કે રાજકોટ કેટરીંગ એસોસિએશન, રાજકોટ પાર્ટી પ્લોટ એસોસિએશન, સૌરાષ્ટ્ર બેકરી એસોસિએશન, રાજકોટ ઈવેન્ટ એસોસિએશન, સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસોસિએશન, રાજકોટ મંડપ એસોસિએશન, રાજકોટ લાઈટ એસોસિએશન, રાજકોટ રેસ્ટોરન્ટ અને કાફે એસોસિએશન, રાજકોટ હોટેલ અને રીસોર્ટ એસોસિએશનનો જોડાયેલા છે તેમજ આ તમામ એસોસિએશનો હજારો લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગોને તુરંત જ સીલ મારી દેવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. સીલ મારતા પહેલાં કોઈપણ જાતની જાણ કરી નથી અને નોટીસ પણ આપી નથી, ડાયરેકટ સીલ મારી દીધા છે જે વ્યાજબી નથી.
છેલ્લા ફાયરના પરિપત્રની રાજકોટ શહેરના નાગરિકો વેપાર- ઉદ્યોગકારો તથા રાજકોટ મ્યુ. કમિશનરના વોર્ડના અધિકારીઓ અને પદાધિકારીઓને ખ્યાલ નથી જેના લીધે ઘણી વિસંગતતાઓ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં શાળાઓ, ક્લાસીસ, હોસ્પિટલો, હોટેલો-રેસ્ટોરન્ટો તથા અન્ય જરૂરી એકમો માટે રાજ્ય સરકાર દ્વારા જે ઈમ્પેક્ટનો ફાયદો લાવેલ છે તેમાં પણ એપ્લાય થયેલા છે છતાં પણ અધિકારી દ્વારા ઈમ્પેક્ટમાં એપ્લાય થયેલ અરજીઓ જોયા વગર ફક્ત સીલ મારવાની જ કામગીરી કરી છે. ફાયર સેફ્ટીની બાબતમાં અમો ચિંતિત છીએ અને સરકારના નિયમ મુજબ ફાયરના સાધનો સેફટી વિગેરે અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટેની અમારી રજૂઆત નથી પરંતુ સ્કૂલો- હોસ્પિટલોને શરૂ કરવાની મંજૂર આપેલી છે તે મુજબ ઉદ્યોગોના પણ સીલ ખોલી અનુપાલન સમયગાળા દરમિયાન સંચાલન કરવાની તાત્કાલિક મંજૂર આપવા ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીએ રજૂઆત કરી છે.