ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સૂચિત જંત્રીની પૂર્વભૂમિકામાં જઈએ તો વર્ષ 2011માં જંત્રી અમલમાં આવેલ ત્યારબાદ સરકાર દ્વારા વર્ષ 2023માં કોઈપણ જાતના સર્વે કર્યા વગર જંત્રીના દર બે ગણો કરવામાં આવેલ છે પરંતુ ભાવ વધારો છેલ્લા પાંચ વર્ષના વધઘટની સરેરાશને ધ્યાને લઈ દર વર્ષે સમય સંજોગો મુજબ જંત્રી દરમાં વધારો કરવો જોઈએ. જ્યારે હાલની સૂચિત જંત્રીમાં સીધો 10 ગણો વધારો કરવામાં આવેલ છે અને આવા ભાવવધારા સાથે જંત્રી અમલમાં મૂકવામાં આવે તો રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને મરણતોલ ફટકો પડે તેમ છે,
- Advertisement -
એક સાથે મોટા જંત્રીમાં વધારાથી પ્રથમ મુશ્કેલી કેપિટલ ગેઇન ભરવાની જવાબદારી તેમજ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી અને વાઈટ મૂડીનો પ્રશ્ર્ન થાય તેમ છે એટલે હાલની સૂચિત જંત્રીનો વધારો રાજ્યના સાનુકૂળ અને રિઅલ એસ્ટેટની પરિસ્થિતિ મુજબ દર વર્ષે સમયાંતરે ભાવવધારો હાલની સૂચિત જંત્રીના ટકાવારી મુજબ વધારો કરવામાં આવે તો ત્રણ ચાર વર્ષમાં રિઅલ એસ્ટેટમાં થતું કાળા નાણાંનું રોકાણ ધીમે ધીમે દૂર થશે અને બેંકમાં મોટા વેલ્યુએશનના દસ્તાવેજોથી મોટી રકમ બેંકમાં આવતા ફાઇનાન્સનો દર નીચો આવશે અને લોકોને ઓછા દરે વ્યાજની રકમ મળતા તેમાં નવી મિલકત ખરીદીમાં તેટલો ફાયદો થશે તેમજ બ્લેક મની સોના કે રોકડમાં સ્વરૂપ પડ્યા રહેતા હતા તે બેંકમાં આવતા અર્થતંત્રના વિકાસને વેગ મળશે. અને રિઅલ એસ્ટેટ સો ટકા વાઈટમાં થાય તો સંપૂર્ણ ખરીદ વેચાણનો વહીવટ બેન્કિંગમાં થતો હોય, પારદર્શક થશે અને કોર્ટ કેસમાં પણ ઘટાડો થશે અને કંપનીઓ તેમજ વિદેશી રોકાણકારોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન પણ મળશે.
રિઅલ એસ્ટેટમાં ચારથી પાંચ વર્ષના ગાળા સુધી મંદી આવવાની શક્યતા હોય તેમજ 30થી 40%નો ભાવ વધારો આવે તે કારણોસર નાના માણસો મિલકત ન લઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અને હજુ વર્ષ 2023માં જંત્રીમાં બે ગણો વધારો કર્યા બાદ આટલો મોટો વધારો કરવો વ્યાજબી ન હોય. રોજગારી, રોકાણકારો અને નાના માણસોને અસર કરે તેમ હોય, વ્યાપક જનહિતને તેમજ મધ્યમ અને નાના માણસો પ્રત્યે સંવેદના દાખવી નીચે મુજબના સૂચનો વિશે વિચારણા કર્યા બાદ જંત્રી અમલમાં મૂકવા અમો આપ પાસેથી અપેક્ષા રાખીએ છીએ.
(1) રિઅલ એસ્ટેટની સાનુકૂળ પરિસ્થિતિ અને રાજ્યની પરિસ્થિતિ મુજબ દર વર્ષે વધારો કરવો, (2) કેપિટલ ગેઇન 12.5% છે તે 5% ટકા કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરવી, (3) સ્ટેમ્પ ડ્યુટી 1% અને રજીસ્ટ્રેશન ફી 1% કરવી. અન્ય રાજ્યોમાં પણ સ્ટેમ્પ ડ્યુટીનો દર ગુજરાતની સરખામણીમાં ઓછો છે, (4) સૂચિત જંત્રીમાં નીચે મુજબ અમલ કરવો, (5)મિલકતના ઘસારાનો દર 2.5% કરવો, (6) હાલમાં લોકેશન મુજબ જંત્રી સાયન્ટીફિક બનાવવી, (7) કૌટુંબીક વહેંચણી અને લોહીના સંબંધોમાં બક્ષિશ તથા વેચાણના કિસ્સામાં 0.25% સ્ટેમ્પ ડ્યુટી રાખવી, (8) ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી, હક્ક કમી રજીસ્ટર દસ્તાવેજથી થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવી, (9) બાંધકામના જે ભાવ ગુજરાત સરકાર ટેન્ડરમાં આપે છે તે મુજબ જાણી સૂચિત જંત્રીમાં દાખલ કરવા, (10) જંત્રીની મીટિંગમાં એસોસિએસનના હોદેદારને રૂબરૂ સાંભળવા, (11) વાંધા સૂચનો માટે 31 માર્ચ સુધીનો સમય આપવો, (12) ગઅ પ્રિમિયમનો રેટ જંત્રીના 10% કરવા, (13) 100 મિટરથી નાના મકાનો અને ફ્લેટો ઓછું ક્ષેત્રફળ ધરાવતા મકાનમાં 20%થી ઓછી જંત્રી લેવી, (14) જંત્રી રેટ ફ્લેટ/દુકાન વિગેરેમાં કાર્પેટ એરિયા ઉપર આપવી, (15)વાંધા અરજી ઓનલાઇન સાથે ઓફલાઇન પણ સ્વીકારવી, (16) સ્લમ એરિયામાં જંત્રીમાં 30%થી ઓછો દર લેવો, (17) સૂચિત જંત્રી વધવાથી થતી અસરો વિશે ગહન અભ્યાસ કર્યા બાદ ફાઇનલ જંત્રી અમલમાં મૂકવી, (18) લાગુ ગામોની જંત્રીમાં મોટો તફાવત હોય તે બાબતની સમીક્ષા કરવી, (19) હાઇરાઈઝ-લોરાઈઝ તથા ફ્લોર મુજબ એ.એસ.આર.ની ટકાવારી મુજબ ભાવ લેવો, (20) પ્રથમ માળે ફ્લેટના ભાવો ઓછા હોય છે તે મુજબ જંત્રીદર રાખવા સમીક્ષા કરવી, (21) પાર્કિંગવાળા મકાનમાં બાંધકામના ક્ષેત્રફળમાં પાર્કિંગનું ક્ષેત્રફળ ધ્યાનમાં ન લેવું જેથી પાર્કિંગવાળા મકાનને પ્રોત્સાહન મળશે.



