સોશિયલ મીડિયાના ફેક મેસેજના કારણે ખોટા સમાચાર વહેતા થયાની રજૂઆત: રાકેશ રાજદેવનું કેલિફોર્નિયામાં કોઈ ઘર જ નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મૂળ નિવાસી રાકેશ રાજદેવના કેલિફોર્નિયા (અમેરિકા) સ્થિત મકાન પર ગોળીબાર થયો હોવાની વાત કેટલાક પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં ચકચાર મચી હતી. જોકે, આ અહેવાલોને કારણે શુભચિંતકોમાં ચિંતા વધતાં, રાકેશ રાજદેવના પત્નીએ એક જાહેર સ્પષ્ટતા જારી કરીને આ સમાચારોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. જાહેર સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે કે, હુમલાના આ સમાચારો માત્ર અફવા છે અને રાકેશભાઈનું કેલિફોર્નિયામાં કોઈ ઘર છે જ નહીં. વળી, કહેવાતા ઘર ઉપર કે અન્ય કોઈ સ્થળે હુમલાની કોઈ ઘટના બની જ નથી. આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પરના એક ફેક મેસેજને કારણે વહેતા થયા છે. રાકેશ રાજદેવના પત્નીએ સ્પષ્ટતા કરી છે કે, સોશિયલ મીડિયા મેસેજમાં જણાવવામાં આવેલી કોઈ પ્રવૃત્તિમાં તેમના કે રાકેશભાઈની કોઈ સામેલગીરી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, આવા બદનક્ષીભર્યા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવા એ ગુનો બને છે અને તે કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપે છે, જેની લાગતા-વળગતા લોકો નોંધ લે. તેમણે તમામ પ્રસાર માધ્યમોને આ સત્ય હકીકત જાહેર કરવા વિનંતી કરી છે.



