ભુજ રહેતો શખ્સ મવડીમાં ભાઈના ઘરે મહેમાન બનીને આવ્યા બાદ નજર બગાડી
પરિવારને ભુજ બોલાવી ત્યાં પતિ અને સસરાને ભગાડી, ધમકી આપી હવસનો શિકાર બનાવી
તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતી મહિલા પર છરીની અણીએ કૌટુંબિક દિયરે વારંવાર દુષ્કર્મ આચરતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે ભુજ રહેતો શખ્સ ભાઈના ઘરે મહેમાન બનીને આવ્યા બાદ ભાભી પર નજર બગાડી કૃત્ય કરતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
- Advertisement -
બનાવ અંગે મવડી ગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ ભુજ રહેતા શંકર પરમાર સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ અને ચાર સંતાનો સાથે રહે છે. તેમના પતિ મજુરીકામ કરે છે. ગઈ તા. 05-09 ના ભુજ રહેતા કાકાજી સસરાનો પુત્ર શંકર તેણીના ઘરે મહેમાનગતિ કરવાં માટે આવ્યો હતો તેણી એકલી હતી ત્યારે આરોપીએ નજર બગાડી ધરારથી છરી બતાવી તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણીએ પ્રતિકાર કરતાં તે ભાગી ગયો હતો અને સાથે સાથે જો આ વાત કોઈને કહીશ તો તારા બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો. જેથી તેણીએ કોઈને વાત કરી ન હતી થોડાં દિવસ બાદ આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરી ભુજ તેમના ઘરે મહેમાનગતિ કરવાં માટે બોલાવ્યાં હતાં. જેથી તેણી તેના પતિ અને સસરા સાથે ગઈ તા.31-10 ના ભુજ આરોપીના ઘરે ગયાં હતાં. ત્યાં આરોપીએ મોડી રાતે તેમના પતિ અને સસરાને બેફામ માર માર્યો હતો. તેણીએ પતિ અને સસરાને બચાવવા જતાં તેમને પણ માર મારતાં બેભાન થઈ ઢળી પડી હતી. તેણી ભાનમાં આવતાં આરોપીને પતિ અને સસરા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, તેઓને તેમના મૂળ વતન મહુવા પંથકમાં મોકલી દિધા છે જે બાદ બીજા દિવસે આરોપીએ ફરીવાર છરી બતાવી મારકૂટ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગીને પોતાના સાસરિયે પહોંચી ગઈ હતી. તેમના પતિને અવારનવાર આરોપી ફોન કરી તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને લઈ જઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ કંટાળીને ફરીયાદ નોંધાવી હતી. તેમજ આરોપીને પણ ત્રણ સંતાન હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એલ.બી.ડીંડોર અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શંકર તેમનો પીછો ન છોડી તેણીના પતિને ધમકી આપતો કે, તું તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને ગમે ત્યાંથી ભગાડી જઈશ તેવી ફોનમાં અવારનવાર ધમકી આપતાં તેના પતિએ ધમકીથી કંટાળી પાંચ દિવસ પહેલાં મહુવા પંથકમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવથી ચાર સંતાનો નોધારા બન્યા છે.



