ખાસ-ખબર સંવાદદાતા
લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટ ખાતે સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્ર્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી છે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો હોવા છતાં મહાસંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મો વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સંમેલનમાં વડોદરાથી આવેલા જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, સનાતન ધર્મનું અપમાન.. આ બાબતે ઉગ્ર રજૂઆતો અને ઉગ્ર લડત સનાતન ધર્મના સૈનિકોએ આપી. એમણે ભીંતચિત્રો હટાવ્યાં છે પણ એમને મગજનાં ચિત્રો હટાવવાની જરૂર હતી. બીજે બધે મંદિરોમાં આડેધડ લખાણ કરેલાં છે, છાપેલાં છે, મૂર્તિઓ બનાવી છે જેવી કે શિવજી પૂજા કરતાં હોય, પાર્વતીજી પૂજા કરતાં હોય. જ્યોતિર્નાથ મહારાજે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે જે સમાધાન થયું છે એ સમાધાન કરેલા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કંઇ રીતે થયું? એક તખતી હટાવી લેવાથી સમાધાન થતું નથી.
વિશ્ર્વ હિન્દુ પરિષદે તો એવું જાહેર કર્યું હતું કે અમારો ટેકો છે. અમારો આ બાબતમાં કોઇ વિરોધ નથી, તો સમાધાન કરવા કેમ ગયા? અમારો વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે કોઇ વિરોધ નથી પણ રાજકીય રોટલા શેકવાની વાત થાય છે એનો વિરોધ છે. સરકારનો પણ વિરોધ નથી, પણ સરકારનો જે ગેરઉપયોગ થાય છે એનો વિરોધ છે. અહીં જે સંતો ઉપસ્થિત થયા છે એ એટલા બધા સક્ષમ છે કે, સરકારને એમની જરૂર પડે છે. સંતોને સરકારની જરૂર નથી. અમે લોક જાગૃતિનાં અભિયાનો કરીએ છીએ. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો વારો આવી ગયો છે. મૂળભૂત 12 મુદ્દા અને બીજા મુદ્દા આજે ચર્ચાશે. રાજકોટમાં પણ લડાઇ ચાલુ છે, સાવરકુંડલામાં પણ ચાલુ છે. કચ્છ, દેત્રોજ અને અમદાવાદમાં પણ લડાઇ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે, કારણ કે, અમારી પરંપરાને અસર કરનારાને અમે માફ કરતા નથી. તમે કાનફટ્ટા એટલે શું સમજો છો? અમે કાન ફાડીએ છીએ, ભલે કાનમાં કુંડળ પહેર્યા હોય પણ બીજાના કાન અમે ફાડીએ છીએ.
- Advertisement -
શું છે સાધુ-સંતોની માંગ?
– હનુમાનજીની મૂર્તિ પર લાગેલ સ્વામિનારાયણ તિલક હટાવવામાં આવે.
– હનુમાન દાદા અને સનાતન ધર્મનાં દેવી-દેવતાનું અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
– ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય એવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
– સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
– સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં નામ લેવાં નહીં.
– સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મનાં શાસ્ત્રો, જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
– સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મનાં હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગને કાયમી દૂર કરવામાં આવે.
– સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમનાં તાત્કાલિક રાજીનામાં લેવાં.
– સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
– સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
– સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
– સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય એ જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી