મગફળીનું વાવેતર 107 ટકા સાથે 18.82 લાખ હેકટરને પાર: કપાસનું વાવેતર 92 ટન સાથે 23.15 લાખ હેકટર સુધી પહોંચ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નૈઋત્યનું ચોમાસું 2024 જુલાઈ માસમાં સૌથી વધુ સક્રિય રહેતા ખેડુતોને ઘણી રાહત મળી છે.દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાનો ધમાકેદાર આરંભ થયા પછી એક મહિના સુધી વરસાદ અનિયમીત રહેતા ખેડુતોની સ્થિતિ ચિંતાજનક બની હતી. પરંતુ વિતેલા પંદર વીસ દિવસમાં રાજયના અલગ અલગ ઝોનમાં વિશેષ રૂપથી કચ્છ-સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉતર ઝોનમાં સમયાંતરે પડેલા વરસાદથી ખેડુતોએ મહેનતથી વાવેતર કરેલા ખરીફ પાકને ઘણી રાહત મળી છે. દોઢ માસમાં જ ખરીફ વાવેતર 81.39 ટકા સુધી પહોંચી ગયુ છે. રાજયમાં ખરીફનું 85.58 લાખ હેકટર વાવેતર સામે 69.66 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયુ છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે મગફળીનું વાવેતર મોસમની સરેરાશ કરતાં વધીને 18.82 લાખને પાર થયુ છે.
- Advertisement -
જે 107 ટકા થયુ છે.આજ રીતે કપાસનું વાવેતર 23.25 લાખ હેકટર સાથે 92 ટકા જેટલુ થઈ ગયુ છે.મધ્ય ગુજરાતમાં જોઈએ એટલો વરસાદ થયો ન હોવા છતા ડાંગરનું વાવેતર 74 ટકા સુધી પહોંચ્યુ છે.કૃષિ વિભાગનાં સુત્રોના કહેવા પ્રમાણે, ધાન્ય પાકોમાં જોઈએ તો 79.32 ટકા વાવેતર થયુ છે. એટલે કે 13.57 લાખ હેકટરની સરેરાશ સામે 10.74 લાખ હેકટર વાવેતર થયુ છે. એમાં ડાંગરનું 6.31 લાખ, બાજરાનું 1.42 લાખ, જુવાર 14 હજાર, મકાઈ 2.81 લાખ હેકટર જેટલુ વાવેતર થયુ છે.
મકાઈનુ 97 ટકા વાવેતર થઈ ચુકયુ છે. આ તરફ દાળનુ સરેરાશ 4.35 લાખ હેકટર સામે 3.08 લાખ હેકટર એટલે કે 70.82 ટકા વાવેતર થયુ છે. એમાં સૌથી વધુ તુવેરનું 1.97 લાખ, મગ 37 હજાર, મઠ 7.6 હજાર, અડદ 64 હજાર હેકટરમાં વાવેતર થયુ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ 6 દિ’ સુધી સાર્વત્રિક વરસાદ પડશે
ભાવનગર, દ્વારકા, કચ્છ સહિત એક ડઝન જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર સાયકલોનિક સર્કયુલેશનની અસર રજુ પણ યથાવત છે. ત્યારે, હજુઆવતા સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. તેવી આગાહી રાજય હવામાન વિભાગે કરી છે. મોટાભાગના જિલ્લામાં આજથી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી રાજય હવામાન વિભાગે કરી છે.મોટાભાગના જિલ્લામાં આજથી સાત દિવસ માટે મધ્યમથી ભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તરગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડશે.હવામાન વિભાગ અનુસાર આજરોજ પણ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં એક ડઝન જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતા છે. આજે ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, ખેડા તથા ભાવનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.દરમ્યાન આજરોજ પણ રોજની જેમ જ રાજકોટમાં વાતાવરણ ગોરંભાયેલું રહ્યું હતું. વ્હેલી સવારે હળવા ઝાપટા બાદ આખો દિવસ શહેરમાં ચોમાસુ માહોલ છવાયેલો રહ્યો હતો.રાજકોટ શહેર અને જિલ્લામાં આજરોજ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.