SEBIએ તત્કાલિન રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (RPL)ના શેરમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં અંબાણી અને અન્ય બે પક્ષકારો પર દંડ લાદ્યો તો સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે ફગાવી દીધો, તેની સામે SEBIએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જાણો પછી શું થયું ?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશની સર્વોચ્ચ અદાલતે મુકેશ અંબાણીને લગતા એક કેસમાં સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના આદેશ સામે સેબીની અરજીને ફગાવી દીધી હતી. આ કેસ શેરમાં કથિત હેરાફેરીના કારણે 25 કરોડ રૂપિયાના દંડ સાથે સંબંધિત છે.
- Advertisement -
હવે જાણો શું છે સમગ્ર મામલો ?
હકીકતમાં નવેમ્બર 2007માં ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) એ તત્કાલિન રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (RPL)ના શેરમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં અંબાણી અને અન્ય બે પક્ષકારો પર દંડ લાદ્યો હતો, જેને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે ફગાવી દેવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું કે, તે SATના આદેશમાં દખલ કરવા માંગતી નથી.
આવો જાણીએ શું કહ્યું બેંચે?
- Advertisement -
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું , આ અપીલમાં અમારા હસ્તક્ષેપનો કોઈ કાનૂની પ્રશ્ન નથી. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે. બેન્ચે વધુમાં કહ્યું કે,’તમે આ રીતે વર્ષો સુધી કોઈ વ્યક્તિનો પીછો કરી શકતા નથી. સેબીએ 4 ડિસેમ્બર, 2023ના સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના આદેશ સામે કોર્ટમાં અરજી કરી હતી.
શું તમે જાણો છો કંપનીને કુલ દંડ કેટલો હતો?
જાન્યુઆરી 2021માં સેબીએ RPL કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પર રૂ. 25 કરોડ, અંબાણી પર રૂ. 15 કરોડ, નવી મુંબઈ SEZ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 20 કરોડ અને મુંબઈ SEZ લિમિટેડ પર રૂ. 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.
કંપનીના શેરમાં પણ જોવા મળી હતી અસર
આ તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ઘણા સમયથી ઘટી રહ્યા છે. સોમવારે તેના શેરમાં પણ ઘટાડો થયો હતો. BSE પર તે 0.85%ના ઘટાડા સાથે રૂ. 1273.05 પર બંધ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ ઘટીને 17,22,738.73 કરોડ રૂપિયા પર આવી ગયું છે. રિલાયન્સના શેર જુલાઈથી ઘટી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ તેમાં 7%નો ઘટાડો થયો છે. આ સાથે બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 5% ઘટીને રૂ. 16,563 કરોડ થયો છે. રૂ. 1,610ના સ્તરની નજીક ટોચ પર પહોંચ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં તે તેની 200-દિવસની ઘાતાંકીય મૂવિંગ એવરેજ (DEMA)થી નીચે છે.