મનોરંજનના અવનવા માધ્યમો સામે હજુ પણ પરંપરાગત માધ્યમો થકી ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકલા અને સાહિત્યને આગળ ધપાવતાં લોક-ડાયરા, પપેટ શો અને નાટકોનું આયોજન કરીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે આ કલાને જીવંત રાખી છે.
આ કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યક્રમોની જાણકારી વિવિધ કલાકારો દ્વારા લોકગીતો અને ભજનના માધ્યમ થકી મનોરંજન સાથે માહિતી જિલ્લાના વિવિધ ગામોમાં પહોંચાડવામાં આપવામાં આવી હતી.
પંરપરાગત માધ્યમના કાર્યક્રમો થકી શિક્ષણનું મહત્વ, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય વિષયક જાગૃતિ, જળસંરક્ષણ, સુજલામ સુફલામ જળ અભિયાન, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની ઉત્કર્ષ યોજનાઓ જેવી ગુજરાત રાજયની વિવિધ જન કલ્યાણલલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કલાકારોએ કર્યો હતો. રાજ્ય સરકાર આ કાર્યક્રમો થકી પરંપરાગત માધ્યમને જીવંત રાખતા કલાકારોને તેમની કલા રજૂ કરવાનું માધ્યમ અને નિયત કરેલી રકમ આપે છે.
તા. 3,4,5 ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન નિમિત્તે રાજકોટ જિલ્લામાં 50થી વધુ ગામોમાં વિવિધ કલાકારોએ ડાયરા, નાટક અને પપેટ શોની રજુઆત કર્યા હતા. રાજકોટ જિલ્લામાં રંગપર તા. પડધરી, પાંચિયાવદર તા.ગોંડલ, હડમતાળા તા.કોટડાસાંગાણી, સર તા.રાજકોટ સહિતના ગામોમાં લોકડાયરા યોજાયા હતાં. રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના અમરગઢ, ઠેબચડા, લાપાસરી, લોઠડા, માલીયાસણ તેમજ લોધિકા તાલુકાના તરવડા, વીરવા, જસવંતપુર, દેવડા સહિતના ગામોમાં કઠપૂતળીના કાર્યક્રમો યોજાયા હતાં.