ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ફરી એકવાર તોફાની વરસાદની શક્યતા સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફશોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ગુજરાતમાં પૂર્વ-પશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધી રહ્યું છે. જેના કારણે પણ સેકન્ડ રાઉન્ડનો વરસાદ તોફાની બનવાની ભરપૂર શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઈ પટ્ટીમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.
- Advertisement -
આજે આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 9 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છને રાહત મળી શકે છે. તો 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાશેઃ હવામાન નિષ્ણાંતો
હવામાન નિષ્ણાંતો કહે છે કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે. વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને જાફરાબાદમાં ભારે પવન ફૂંકાશે. સાબરમતીના વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી આ નદી બે કાંઠે હિલોળા લે તેવી પણ શક્યતા છે. નર્મદા નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એકસાથે 12થી 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોઈ માછીમારોને સોમવાર તા 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે. આ દરમિયાન દરિયામાં 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.