સાતમ – આઠમ – નોમ અને દશમ સુધી શહેરમાં સતત મેઘરાજાની સટાસટી : શહેરમાં સર્વત્ર પાણી – પાણી : 1300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ : 100 વૃક્ષો ધરાશાયી
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત શનિવારથી સક્રિય થયેલી એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમોએ ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળી નાંખ્યુ હતું અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી સાતમ-આઠમનાં તહેવારોને જળમગ્ન બનાવી દીધા હતા. રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં ગત શનિવારની મધરાત્રીથી મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધુ હતુ અને દશમ એટલે કે ગત બુધવારનાં આખો દિવસ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
હવામાન વિભાગનાં સતાવાર આંકડા મુજબ ગત રવિથી ગુરૂવારે આજ સુધીમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 800 મી.મી. એટલે કે 32 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો અને સમગ્ર શહેરને જળબંબાકાર કરી દીધુ હતું. જયારે ફાયર બ્રિગેડનાં આંકડા મુજબ ગત રવિવારથી બુધવાર સાંજે 5.30 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 1126, વેસ્ટમાં 670 અને ઇસ્ટમાં 533 મીમી વરસાદ પડયો હતો.
જો કે, દર વખતની જેમ રાજકોટ હવામાન વિભાગ અને ફાયર બ્રિગેડનાં આંકડામાં ભારે તફાવત જોવા મળે છે. ફાયર બ્રિગેડ મુજબ સેન્ટ્રલ ઝોનમાં ગત રવિવારથી ગઇકાલ સાંજે 5.30 સુધીમાં 1126 મીમી એટલે કે 44 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે હવામાન વિભાગનાં આંકડા મુજબ શહેરમાં 800 મીમી છેલ્લા ચાર દિવસમાં એટલે કે 32 ઇંચ જેટલો વરસાદ પડયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં 32 ઇંચથી વધુ વરસાદથી ખાસ કરીને દરેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. ખાસ કરીને ગાયકવાડી, લાખનો બંગલો, મિરાનગર, રામપીર ચોકડી, 150 ફુટ રીંગ રોડ, મવડી, સાધુ વાસવાણી રોડ, શીતલ પાર્ક, સુભાષનગર, જંગલેશ્વર, રામનાથપરા, લલુડી વોંકળી, બેડીપરા, રૈયા ગામ વિગેરે વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ઠેર ઠેર ભારે વરસાદથી કાર સહિતનાં વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.
- Advertisement -
તો જંગલેશ્વર, રામનાથપરા, લલુડી વોંકળી, રામનાથપરા સહિતનાં નદી કાંઠાના વિસ્તારમાં ત્રણ દિવસ દરમ્યાન 1374 લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. જયારે જિલ્લામાં 637 લોકોનું સ્થળાંતર કરાયુ હતું. આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદ અને પવનથી ઠેર ઠેર નાના-મોટા 100 જેટલા વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા હતા.
આ ઉપરાંત ભારે વરસાદનાં પગલે રાજકોટનાં મહિલા કોલેજ, રેલનગર, પોપટપરા, એસ્ટ્રોન ચોક, લક્ષ્મીનગર સહિતનાં અન્ડરબ્રીજ પણ તંત્રએ બંધ કરવા પડયા હતા.
શહેરમાં ભારે વરસાદથી પીવાનાં પાણીનું જળસંકટ પણ તણાઇ ગયું હતું અને શહેરની જીવાદોરી સમાન આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમ ઓવરફલો થઇ જતા શહેરને હવે પીવાનાં પાણીની સમસ્યા હાલ સંપૂર્ણ હલ થઇ ગઇ છે.