દીકરીઓએ બાજી મારી, ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ: બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ: A-1 ગ્રેડમાં 28055 વિદ્યાર્થી ઝળકયા
સૌરાષ્ટ્ર-કચ્છના પરિણામોમાં પ્રથમ ક્રમ પર મોરબી, બીજા ક્રમે બોટાદ, ત્રીજું રાજકોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવેલી ધો.10 (એસએસસી)ની પરીક્ષાનું આજે 83.08% પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષે ધો.10નું પરિણામ 82.56% હતું. આ વર્ષે એ-1 ગ્રેડમાં છાત્રોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જેનાથી ટોપર્સ વિદ્યાર્થીઓ ખૂબ વધ્યા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા 989 કેન્દ્રો પરથી લેવાયેલી પરિક્ષા 746892 વિદ્યાર્થીઓએ આપી હતી. આ પૈકી 620532 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. એ-1 ગ્રેડમાં ગત વર્ષે 23247 અને આ વર્ષે 28055 વિદ્યાર્થીઓ ઝળકયા છે. અન્ય ગ્રેડના છાત્રોમાં પણ વધારો નોંધાયો છે. જેમાં એ-2 ગ્રેડમાં 86459, બી-1માં 124274, બી-2માં 152064, સી-1માં 145444, સી-2માં 78137, ડીમાં 6061 છાત્રો સ્થાન પામ્યા છે.
આ પરિણામમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29% અને સૌથી ઓછુ ખેડા જિલ્લાનું 72.55% આવ્યુ છે. કેન્દ્રોમાં સૌથી ઉંચુ પરિણામ મહેસાણાના કાસા અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું 99.11% જાહેર થયુ છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ટકાવારીની દ્રષ્ટિએ મોરબી જિલ્લો 88.78 ટકા સાથે પ્રથમ, બીજા ક્રમે બોટાદ 87.71 અને ત્રીજા ક્રમે રાજકોટ જિલ્લો 87.19 ટકા સાથે રહ્યો છે.
રાજયમાં 100% પરિણામવાળી સ્કુલો વધીને 1574 થઈ છે. 30%થી ઓછા પરિણામવાળી શાળાની સંખ્યા ઘટીને 201 થઈ છે તો ઝીરો ટકા પરિણામવાળી સ્કુલની સંખ્યા ઘટીને 45 રહી છે.
આ પરિણામમાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 79.56% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યુ છે. અંગ્રેજી માધ્યમ ફરી આગળ રહ્યું છે. અંગ્રેજી ભાષાના પરીક્ષાર્થીઓનું પરિણામ 92.58% અને ગુજરાતીના વિદ્યાર્થીઓનું પરિણામ 81.79% આવ્યુ છે.
હિન્દી માધ્યમનું પરિણામ 76.47% છે. ગેરરીતિના કેસ ગત વર્ષે 138 હતા અને આ વર્ષે માત્ર 12 નોંધાયા છે તો સીસીટીવીના આધારે નોંધાયેલા કોપીકેસ પણ ઘટીને 138 થયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લાઓના પરિણામ પર નજર કરીએ તો અમરેલી 77.77%, ભાવનગર 85.17, બોટાદ 87.71, દ્વારકા 83.48, ગીર સોમનાથ 81.21, જામનગર 85.55, જુનાગઢ 81.80, કચ્છ 86.40, મોરબી 88.78, પોરબંદર 80.42, રાજકોટ 87.19, સુરેન્દ્રનગર જિલ્લાનું 85.63% રિઝલ્ટ આવ્યુ છે.