પાલક કોફ્તા કરી ઉતર ભારતની મશહૂર વાનગી છે જેમાં ડુંગળી અને ટામેટાંની તીખી ગ્રેવીમાં હલ્કા તળેલા પાલકના કોફ્તા હોય છે. તમે કોફ્તાને એકલા જ નાસ્તામાં અથવા ટામેટાંની ગ્રેવી સાથે શાકની જેમ ભોજનમાં પીરસી શકો છો. પાલક કોફ્તા કરી ભારતીય રોટલી જેમ કે પરોઠા, તંદૂરી રોટી, નાન, બટર કુલ્ચા વગેરેની સાથે ખાવામાં આવે છે.
કોફ્તા બનાવવા માટે સામગ્રી:
2 કપ પાલક, બારીક સમારેલી (100 ગ્રામ/1 જુડી)
4 ટેબલસ્પૂન બેસન (ચણાનો લોટ)
1/2 કપ પનીર, છીણેલું
1 લીલું મરચું, બારીક સમારેલું
1/4 ટીસ્પૂન જીરું
ચપટી એલચીનો પાઉડર, વૈકલ્પિક
2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કોર્નસ્ટાર્ચ) કોફ્તાની ક્રિસ્પી સપાટી માટે
મીઠું, સ્વાદ પ્રમાણે
- Advertisement -
ગ્રેવી બનાવવા માટે સામગ્રી:
1/2 ટીસ્પૂન જીરું
1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
2 લસણની કળી, બારીક સમારેલી
1/2 ઇંચ આદું, કાપેલું
5-6 કાજુ
2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા (3/4 કપ)
1& 1/2 ટીસ્પૂન ધાણાજીરું
1/2 ટીસ્પૂન કસૂરી મેથી
1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
2 ટેબલસ્પૂન તેલ
1& 1/2 કપ પાણી (જરૂર પ્રમાણે)
મીઠું, સ્વાદ પ્રમાણે
કોફ્તા બનાવવાની રીત:
એક કડાઈમાં મધ્યમ આંચ પર 1 ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 4 ટેબલસ્પૂન બેસન નાખોં અને તેને ધીમી આંચ પર હલ્કો ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ બેસનને એક બાઉલમાં કાઢો અને તેને રૂમના તાપમાને ઠંડો થવા દો. પાલકના પાંદડાને દાંડીથી અલગ કરીને પાણીથી સાફ કરી લો. પાલકમાંથી વધારાનું પાણી કાઢીને બારીક સમારી લો. તે જ કડાઈમાં મધ્યમ આંચ પર 1 ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 2 કપ બારીક સમારેલી પાલક નાખોં. પાલકનું પાણી શોષાય જાય ત્યાં સુધી પકાવો. પકાવેલી પાલકને બેસનની સાથે તે જ બાઉલમાં નાખોં. તેમાં ચપટી મીઠું નાખોં અને બરાબર મિક્ષ કરો. કોફ્તા માટે પાલકનું મિશ્રણ તૈયાર છે. એક બાઉલમાં છીણેલું પનીર, બારીક સમારેલું લીલું મરચું, 1/4 ટીસ્પૂન જીરું, ચપટી એલચીનો પાઉડર અને મીઠું નાખોં. તેને બરાબર મિક્ષ કરો. સ્ટફિંગ માટે પનીરનું મિશ્રણ તૈયાર છે. બંને મિશ્રણમાંથી એકસમાન માત્રાના 6 ગોળા (બોલ્સ) બનાવો. પાલકના એક ગોળાને હથેળીથી દબાવીને 2-3 ઇંચ ગોળાઈની પૂરી બનાવો. પૂરીની વચ્ચે પનીરનો એક ગોળો (બોલ) મૂકો. પૂરીની કિનારીઓને વાળીને ચારે બાજુથી બંધ કરીને ગોળાકાર કોફ્તા બનાવો. એક પ્લેટમાં 2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કોર્ન સ્ટાર્ચ) અથવા આરાનો લોટ લો. કોફ્તાને કોર્નફ્લોરમાં રોલ કરો.
- Advertisement -
બાકી વધેલા કોફ્તા પણ આ જ રીતે બનાવી લો.
અપમ પેનને મધ્યમ આંચ પર ગરમ કરો. અપમ પેનના દરેક ખાંચામાં તેલના થોડા ટીપાં નાખોં અને તેમાં કોફ્તા મૂકો. જ્યારે તેની નીચેની સપાટી હલ્કી ગોલ્ડન થવા લાગે ત્યારે તેની ઉપર તેલના થોડા ટીપાં નાખોં અને પલટો. કોફ્તાને બધી બાજુથી હલ્કા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. કોફ્તાને અપમ પેનની બદલે તેલમાં તળી અથવા સાંતળી પણ શકાય છે.
કોફ્તાને એક પ્લેટમાં કાઢો. પાલક કોફ્તા તૈયાર છે.
ગ્રેવી બનાવવાની રીત:
એક કડાઈમાં મધ્યમ આંચ પર ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 1/2 ટીસ્પૂન જીરું નાખોં; જીરું હલ્કું ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. તેમાં બારીક સમારેલી ડુંગળી નાખોં અને હલ્કી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં કાજુ, બારીક સમારેલું આદું, બારીક સમારેલું લસણ નાખોં અને 1 મિનિટ માટે સાંતળો.
તેમાં બારીક સમારેલા ટામેટાં અને મીઠું નાખોં. ટામેટાંને નરમ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી દો. મિશ્રણ તૈયાર છે તેને થોડીવાર માટે ઠંડુ થવા દો. મિશ્રણને મિકસરના નાના જારમાં નાખોં અને મુલાયમ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો. તે જ કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મધ્યમ આંચ પર ગરમ કરો. તેમાં પેસ્ટ, ધાણાજીરું અને લાલ મરચું પાઉડર નાખોં. તેને બરાબર મિક્ષ કરો અને તેમાથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવો. તેમાં 1& 1/2 કપ પાણી નાખોં (ગ્રેવી પાતળી અથવા ઘટ્ટ બનાવવા માટે વધારે અથવા ઓછું પાણી નાખોં). તેને બરાબર મિક્ષ કરો અને ગ્રેવીને ઢાંકીને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી (તમારી પસંદ પ્રમાણે) પકાવો. ગ્રેવીને ચાખી લો અને જો જરૂર લાગે તો વધારે મીઠું નાખોં. 1/2 ટીસ્પૂન કસૂરી મેથી નાખોં અને મિક્ષ કરો. કોફ્તા (આખા અથવા અડધા કાપેલા) ગ્રેવીમાં નાખોં અને ગેસ બંધ કરી દો. પાલક કોફ્તા કરી પીરસવા માટે તૈયાર છે.
ટીપ્સ
જો તમે તેલમાં તળેલા કોફ્તા બનાવી રહ્યા છો તો કોફ્તાને તેલમાં ધ્યાનથી નાખોં, ગરમ તેલના છાંટા તમને દઝાડી શકે છે માટે કોફ્તા ગરમ તેલમાં એક-એક કરીને ધ્યાનથી નાખોં.
તમે સ્ટફિંગવાળા કોફ્તાની બદલે પાલક અને પનીરના મિશ્રણને મિક્ષ કરીને સાદા કોફ્તા પણ બનાવી શકો છો.
કોફ્તા બનાવવા માટે તમે પનીરની બદલે બાફેલા બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો.
કોફ્તાને ગ્રેવીમાં પીરસવાની પહેલા જ નાખોં અને તેને નાખ્યા પછી 2-3 મિનિટ માટે પકાવો.
વિવિધતા માટે લાલ ગ્રેવીને બદલે પાલક પનીરની લીલી ગ્રેવી પણ બનાવી શકો છો.
સ્વાદ: ક્રિસ્પી કોફ્તાની સાથે હલ્કું તીખું
પીરસવાની રીત: પાલક કોફ્તા કરી રોટી, ચપાતી, પરોઠા, બટર નાન, કુલ્ચા અને ભાતની સાથે બપોરના અથવા સાંજના ભોજનમાં પીરસો. તીખા અને ક્રિસ્પી કોફ્તા નાસ્તામાં ટોમેટો સોસ અથવા ખજૂર-આંબલીની ચટણીની સાથે એકલા પણ પીરસી શકો છો.




