મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થી મહિલાઓને રાશનકીટ અપાઈ.
મલબાર ગ્રુપ દ્વારા ૬૯ વિધાનસભા વિસ્તારની ૬૫૦ મહિલાઓને અનાજ, કરિયાણું તેલ સહિતની કીટ વિતરણ કરાઈ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગરીબો, શોષિતો, વંચિતો, મજૂરો, ગ્રામીણ અને મહિલાઓના ઉતકર્ષ માટે સેવારત. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ, કાયદો વ્યવસ્થા, સુશાસનથી પ્રગતિશીલ ગુજરાતની નવી ઓળખ બનાવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાષ્ટ્રવાદ અને એકાત્મવાદથી અને સેવાથી સંગઠનમાં માનવાવાળા છે.
- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિવસ નિમિત્તે રાજકોટના સ્વામિનારાયણ મંદિર (બી.એ.પી.એસ.) ખાતે ૬૫૦ જેટલી લાભાર્થી મહિલાઓને કોરોનાના કપરા કાળમાં રાશનકીટનું વિતરણ કરી અનેક પરિવારોને સધિયારો પૂરો પાડતા કાર્યક્રમમાં વિજયભાઈના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, કોરોનાની કપરી પરિસ્થિતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સામાજિક જવાબદારી નિભાવી, નિઃશુલ્ક ફૂડ પેકેટ, ઓક્સિજન કીટ, રાશન સહિતની દર્દીઓને વિવિધ સેવા સુવિધા પુરી પાડી તેમની કર્મનિષ્ઠનો જન જનને પરિચય કરાવ્યો છે.
- Advertisement -
મુખ્યમંત્રી એ આ તકે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના વડપણ હેઠળની સરકાર ગરીબો, પીડિતો, શોષિતો, મહિલાઓ, ખેડૂતો, મજૂરોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધામંત્રી એ મહિલાઓને ગેસના બાટલા, શૌચાલય, આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજનાઓ થકી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળની ૧૦ હજાર મહિલાઓ માટે રૂ. ૧૦૦ કરોડની લોનનું પ્રાવધાન કર્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી સુરક્ષા પુરી પાડી સુશાસનની લોકોને પ્રતીતિ કરાવી છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાષ્ટ્રવાદ અને એકાત્મવાદમાં માનતા હોવાનું અને સેવા થકી સંગઠન ઉભું કર્યાનું રૂપાણીએ જણાવ્યું હતું. મલબાર ગ્રુપ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જરૂરિયાતમંદ મહિલા લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ કીટ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું વિજય બુલચંદાણીએ જણાવી કહયું હતું કે, આજરોજ મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિન નિમિત્તે ૬૫૦ મહિલાઓને રાશનકીટનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સ્વાગત પ્રવચનમાં મુખ્યમંત્રી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લાભાન્વિત મહિલાઓને રાશનકીટથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને ટેકો મળી રહેશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ પૂર્વે દર્શન કરી સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી સહીત સંતો મહંતોએના આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલી કેક કાપી સૌનું મોં મીઠું કરાવ્યું હતું.
આ પ્રસંગે મેયર ડો. પ્રદીપભાઈ ડવ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, મતી અંજલીબેન રૂપાણી, કિશોરભાઈ રાઠોડ, પુષ્કરભાઈ પટેલ, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ સહિત વિવિધ વોર્ડના હોદેદારો, કાર્યકરો તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.