ઉપલેટામાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો
પોલીસકાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પલેટામાં આજે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ડબલ મર્ડરની ઘટના બની છે. યુવક-યુવતીને સરાજાહેર અજાણ્યા શખસોએ રહેંસી નાખતાં ચકચાર મચી ગઇ છે. જોકે પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણ ખૂલ્યું છે. યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખ્યો હતો. આજે સગા ભાઈએ જ બહેન-બનેવીની છરીના આડેધડ ઘા મારી પતાવી દીધાં હતાં.
ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયાને હિનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે પડ્યો જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
હીનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા ભાઈ સુનિલને આંખના કણાની જેમ ખટકતું હતું. હીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી લીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.
સુનિલે બહેન હીનાને પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા માર્યાનું જોવા મળે છે. જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા માર્યાનું જોવા મળ્યું હતું. છરીના ઘાથી પોતાની સગી બહેન અને બનેવીને મોતને ઘાટ ઉતારનાર આરોપીના લગ્ન બે વર્ષ પહેલા થયાનું જાણવા મળ્યું છે. તેમજ સુનીલ એમના માતા-પિતાનો એકના એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.


