100થી વધુ કાર્યકર્તાઓ એકત્તિકરણ માટે દિવસ રાત કામે લાગેલા છે
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવિસ્તાર કુંભ અંતર્ગત 7મી જાન્યુઆરીએ રાજકોટમાં સ્વયંસેવકોનું વિશાળ એકત્રિકરણ થશે. જેમાં રાજકોટ મહાનગરમાંથી આબાલવૃદ્ધ, નવા તથા જૂના મળીને દરેક વસ્તીમાંથી સ્વયંસેવકોની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના આયોજન માટે સંઘના સ્વયંસેવકો દ્વારા હાલ અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટમાં આગામી 7 જાન્યુઆરીએ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ એકત્રિકરણ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. કાર્ય વિસ્તાર કુંભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સહકાર્યવાહક ડો. મનમોહનજી વૈદ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે ખોલવામાં આવેલા કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તૈયારીને અંતિમ સ્વરૂપ આપવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. કાર્યાલય, સ્વચ્છતા, મંડપ, પાણી, મેદાન, પાર્કિંગ ભોજન, સુશોભન, ઈલેક્ટ્રીક અને માઈક જેવા અનેક વિભાગોમાં કાર્યકર્તાઓની ટીમને વહેચવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા કુંભના મુખ્ય વ્યવસ્થા પ્રમુખ સુરેશભાઈ રાઘવાણી તથા સહ વ્યવસ્થા પ્રમુખ અમરીશભાઈ ત્રાંબડીયાના માર્ગદર્શનમાં થઈ રહી છે. સ્થાનનો નકશો તથા કલર કોડથી માર્કિંગ કરી પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાનું આયોજન કાર્યક્રમના સ્થાનનો નકશો કલર કોડ બનાવવામાં આવેલો છે. જેમાં દરેક વિસ્તાર માટે પાર્કિંગ અને વિવિધ સ્થાન દર્શાવવામાં આવેલા છે, જેથી આવનારથી સમયસર પોતાના સ્થાને પહોંચી શકે. આ નકશો પણ અગાઉથી દરેક સ્વયંસેવકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. દરેક વિસ્તારને અલગ- અલગ કલર કોડ આપી તેની ઓળખ ઊભી કરવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા આ કલર કોડ મુજબ જ છે જે તે વિસ્તાર માટે પાર્કિંગની જગ્યા તથા મંડપ કલર કોડ મુજબના ધ્વજ દ્વારા દર્શાવવામાં આવી છે. તેમજ વિસ્તારના બેનર તથા આવનાર સ્વયંસેવકોની પ્રવેશપત્રિકા પણ કલર કોડ મુજબ તૈયાર કરવામાં આવી છે. કાર્યાલય વિભાગ દ્વારા જેમનું રજીસ્ટ્રેશન થયેલું છે તે દરેક લોકોને આ કલર કોડ મુજબની પ્રવેશપત્રિકા અગાઉથી પહોંચાડી દેવામાં આવી છે. માત્ર પ્રવેશ પત્રિકા ધારણ કરનાર સ્વયંસેવકોને જ કાર્ય વિસ્તાર સ્થાન પર પ્રવેશ મળી શકશે. પ્રવેશિકા વિતરણની કામગીરી સમગ્ર મહાનગરના 35 નગર કાર્યવાહ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોના નામે વિવિધ સ્થાનોનું નામ આપવામાં આવ્યું છે. બાલના સભાખંડને નટવરસિંહજી વાઘેલા બાલ વિભાગ, તરુણો માટેના સભાખંડને લક્ષ્મણ રાવજી ઇનામદાર (વકીલ સાહેબ) સભાખંડ, છત્રપતિ શિવાજી મહારાજના 350 માં રાજ્યરોહણ વર્ષ, હેમુ કાલાણીના જન્મ શતાબ્દી વર્ષ, સ્વામી રામતીર્થની 150મી જન્મ જયંતી, તથા સ્વામી દયાનંદ સરસ્વતીની 200ની જન્મ જયંતી નિમિત્તે તેમના નામે અલગ- અલગ વિભાગોને નામ અપાયા છે. ભગવાન મહાવીર સ્વામીના 2,550 માં નિર્વાણ દિવસ નિમિત્તે કાર્ય વિસ્તાર કુંભમાં એક સ્થાનનું નામાંકન કરાયું છે આ રીતે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે કાર્ય વિસ્તાર કુંભને જોડવામાં આવ્યો છે.
- Advertisement -
સ્વયંસેવક સંઘનો ગણવેશ ખરીદવા માટે ભારે ઘસારો વિશેષ વ્યવસ્થા કરાઈ
કાર્ય વિસ્તાર કુંભમાં ગણવેશ નિશ્ચિત છે. જેમાં સંઘનું પેન્ટ, સંઘની કાળી ટોપી અને સફેદ શર્ટ રાખવામાં આવ્યા છે તેમ જ સંચલનને ધ્યાનમાં લઇ કોઈ પણ બુટ મોજા પહેરી સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાના છે સંઘની પરંપરા પ્રમાણે બધા સ્વખર્ચે ગણવેશ કરાવીઉપસ્થિત રહેશે. મહાનગરમાં 15 થી વધુ સ્થાનો પર ગણવેશ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યા ગણવેશ ખરીદવા પહોંચી રહ્યા છે. કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત ગણવેશ પૂર્તિની વિશેષ વ્યવસ્થા કાર્ય વિસ્તાર કુંભ કાર્યાલય પર કરવામાં આવી છે. રુમિ પ્લાઝા, રેસકોર્સ થી એરપોર્ટ ફાટક તરફ જતા, જઇઈં અઝખની બાજુમાં આવેલા આ કાર્યાલય પર સમય: બપોરે 3:30 થી રાત્રે 11 સુધી ગણવેશ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ મુકેશભાઈ કામદાર ગણવેશ બધા સ્વયંસેવકોને મળી રહે તે માટે આપૂર્તિ વ્યવસ્થામાં લાગેલા છે. સંઘમાં જોડાવા માટે સમાજની સજ્જન શક્તિની પૂછપરછને ધ્યાનમાં રાખીને આ કાર્ય વિસ્તાર કુંભમાં નવા લોકોને પણ સંઘ સાથે જોડાવાની તક આપવામાં આવી છે, માર્ગદર્શન કે સહાય માટે કાર્યાલય વિભાગના ચિંતનભાઈ નડિયાપરા 8155055075 તથા પ્રિયાંકભાઈ શાહ 9409256632 નો સંપર્ક કરી શકાય છે. અથવા સ્વાગત કક્ષનો સંપર્ક કરી શકે. રાજકોટ મહાનગરની રાષ્ટ્રપ્રેમી જનતાને આ કાર્ય વિસ્તાર કુંભમાં સહભાગી થઈ સંઘને નજીકથી અનુભવવા તથા રેસકોર્સ રીંગરોડ પર સાંજે ચાર વાગ્યાથી સંચલન નિહાળવા પધારવા હાર્દિક નિમંત્રણ છે.



