સૌરાષ્ટ્રની ટીમમાં 10 KS અને એક જ અને કરસન ઘાવરી…
- જગદીશ આચાર્ય
આજે સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના કેટલા સભ્યોના નામ તમને ખબર છે? કદાચ બહુ ઓછા લોકો એ જાણતા હશે.પણ એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રની રણજી ટીમના સભ્યો પણ સેલિબ્રિટી ગણાતા.60-70 ના દાયકામાં સૌરાષ્ટ્રની ટીમમાં રાજવી સભ્યોની બોલબાલા હતી.મેદાન પર કુંવર સાહેબો રમતા હોય ત્યારે રમત ઉપર રજવાડી આલમ પથરાઈ જતો.
આમ તો ક્રિકેટમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારોનું પહેલેથી પ્રભુત્વ રહ્યું છે. પોરબંદર મહારાણા અને રણજીતસિંહ, દુલીપસિંહની વાત એક તરફ રાખીએ તો પણ છેક 1936 થી 1950 વચ્ચે માણાવદર રાજવી પરિવારના અબ્દુલ અઝીઝ,અલગ અલગ રાજવી પરિવારોના ઇન્દ્રવિજયસિંહ, જ્યેનદ્રસિંહ, પ્રદ્યુમનસિંહજી ઓફ રાજકોટ, રાજકુમાર યાદવેન્દ્રસિંહ વગેરે જેવા ખેલાડીઓ મેદાન ગજાવી ચુક્યા હતા.
પણ આપણે વાત કરીએ છીએ 50-60ના દાયકાની.એ સમયે રાજકોટમાં રણજી ટ્રોફીના મેચ રાજકુમાર કોલેજના ગ્રાઉન્ડ ઉપર મેટિંગ વિકેટ પર રમાતા. ત્રણ દિવસના એ મેચ દરમિયાન રાજકોટમાં ઉત્સવ જેવો માહોલ રહેતો. મેદાનમાં મંડપો બંધાતા.ખુરશીઓ મુકાતી. જનતા ટેન્ટમાં ઉભા ઉભા મેચ જોવાનો. દરેક મેચની બધી ટિકિટો વેંચાઈ જતી.એક કલાક પહેલાં લોકો મેચ જોવા આવી જતા.પ્રેક્ષકોને બન્ને ટીમના ખેલાડીઓના નામ સાથે સ્કોર કાર્ડના પેમ્પ્લેટ આપવામાં આવતા.મેદાન પર સિંગ, રેવડી, ચોરાફળી, લીંબુ ડુંગળી વાળી દાળ, પોપકોર્ન, સોડા, લેમન અને કોકકોલા વગેરે વેંચતા ફેરિયાઓ રાઉન્ડ ધી કલોક આંટાફેરા કર્યે રાખતા.મેચ પહેલા ખેલાડીઓ ફિલ્ડિંગ પ્રેક્ટીસ અને વોર્મ અપ માટે મેદાનમાં ઉતરે ત્યારથી ગગનગાજી દેકારા શરૂ થઈ જતા. માહોલ જામી જતો. સૌરાષ્ટ્રની ટીમ માટે એક રમૂજ કહેવાતી કે ટીમ માં 10 કે.એસ. એટલે કે 10 કુમારસાહેબો અને એક એસ હોય છે.એ એક એસ એટલે શાહ ન્યાલચંદ.
સૌરાષ્ટ્રની ટીમમાં રાજવી પરિવારના સભ્યો ઉતરે એટલે વાતાવરણ ચાર્જ થઈ જતું.
- Advertisement -
રાજકોટ રાજવી પરિવારના મનોહરસિંહજી, પ્રહલાદસિંહ અને રઘુવીરસિંહ મેદાને પડતાં ત્યારે દર્શકો રામાંચિત થઈ જતા.દાદા ખૂબ સારા ઓલરાઉન્ડર હતા.પ્રહલાદસિંહે એક વખત બોલ રોકવા માટે ડાઈવ મારી ત્યારે તેમનું શર્ટ ફાટી ગયું હતું.પેવેલીયનમાં જઇ ને શર્ટ બદલાવવાને બદલે એક સેવક નવું શર્ટ લઈને ગયો હતો અને બાપુએ મેદાન ઉપર જ શર્ટ બદલ્યું હતું. જામસાહેબ શત્રુશેયલ્યસિંહ રજવાડી મિજાજમાં મેદાન પર એન્ટ્રી મારતા. એક વખત તેઓ બેટિંગમાં હતા ત્યારે મેદાન ઉપર હેલિકોપટરે ચક્કર લગાવ્યું હોવાનું સ્મૃતિમાં છે.જામસાહેબ મેદાન પર હોય ત્યારે એમના વિદેશના ગોરા મહેમાનો અને ગોરી મેડમો પેવેલિયનમાં બેસી મેચ નિહાળતા.જામનગર સ્ટેટ સાથે જ સંકળાયેલા છત્રપલસિંહ અને દુલીપસિંહના ભત્રીજા ઇન્દ્રજીતસિંહ પણ ધૂવાધાર ક્રિકેટર હતા.છત્રપલસિંહજી બાદમાં એર ઇન્ડિયા માં ઉચ્ચ હોદાઓ પર બિરાજ્યા હતા.એક મેચમાં સામી ટીમના ખેલાડીએ ફોર મારી ત્યારે બોલને પકડવા તેઓ એટલી સ્પીડમાં દોડ્યા કે બાઉન્ડરી લાઇન આવી ગઈ તો પણ પોતાને રોકી શક્યા નહીં અને એ ને એ સ્પીડમાં ટેન્ટનો પોલ પકડી છેક મંડપ ઉપર ચડી ગયા.ઇન્દ્રજીતસિંહ વર્લ્ડ કલાસ વિકેટકીપર-બેટ્સમેન હતા.ભારત વતી તેઓ ચાર ટેસ્ટ મેચ પણ રમ્યા હતા.1964-65ની ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ઓપનર બોબી સિમ્પસનને તેમણે સ્ટમ્પ આઉટ કર્યા હતા. એ જ સિરિઝના બીજા મેચમાં ચંદુ બોર્ડે સાથેની નવમી વિકેટની તેમની ભાગીદારી ભારતીય ક્રિકેટના ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ટ છે.વિકેટ પાછળ બોલ ગ્લોવસમાં આવે તે સાથે જ ફર્સ્ટ સ્લીપના ફિલ્ડરને દડો દઈ દેવાની તેમની લાક્ષણિકતા હતી.
એક સુખદેવસિંહ હતા.આજે ટી 20માં ખેલાડીઓ મારે છે એના કરતાં વધારે છગ્ગા તેઓ એ સમયે મારતા.એક વખત એમણે એવો શોટ ફટકાર્યો કે બોલ ગ્રાઉન્ડ અને તે પછી યાજ્ઞિક રોડ પાર કરીને પી.ડબ્લ્યુ.ડી.ની કચેરીના પટાંગણમાં પડ્યો હતો.એ લેંથ કોઈએ માપી હોત તો એ કદાચ સર્વકાલીન રેકોર્ડ બન્યો હોત.ટીમમાં ઓફ સ્પિનર લોધિકા દરબાર અજીતસિંહ પણ હતા.તેમનું એકદમ સ્લિમ એથ્લેટીક બોડી હતું.મૂળી દરબાર જીતેન્દ્રસિંહ પણ ટીમના અગત્યના સભ્ય હતા.માંગરોળના શેખ ઝાહીદનો પણ જમાનો હતો.ઝાહીદ ખૂબ હેન્ડસમ હતો. અસ્સલ દેવાનંદ.તેઓ ફિલ્ડિંગ પણ દેવાનંદની સ્ટાઇલમાં કરતા. ઝાહીદે એક હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું.
રાજકોટમાં ગુજરાત, મહારાષ્ટ્ર,બોમ્બે અને બરોડાની ટીમો આવતી.દિલીપ સરદેસાઈ, વિજય માંજરેકર, અજીત વાડેકર, દતુ ફડકર, મિલિંદ રેગે, સુધીર નાયક, એકનાથ સોલકર, ચંદુ બોર્ડે, પદ્માકર શિવાલકર,અશોક માંકડ,ફરોફ એન્જીનીયર, વિજય હઝારે, હેમંત કાનીટકર, જી.કિશનચંદ, જશુ પટેલ, રુસી સુરતી જેવા એ સમયના ધુરંધર ખેલાડીઓને નિહાળવા ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડતા.ફરોખ એન્જીનયર ખૂબ ટીખળી હતો.એક વખત સૌરાષ્ટ્રની અડધી ટીમ 100ના સ્કોર પહેલા પેવેલિયન ભેગી થઈ ગઈ ત્યારે તેણે વિકેટની પાછળ ઉભા રહેવાને બદલે ફોરવર્ડ શોર્ટલેગ પર જઈ ને ‘કિપિંગ’ કરી મજાક કરી હતી.લોકો આવી મજાક મસ્તીને મનભરીને માણતા.સૌરાષ્ટ્રના મીડીયમ પેસર ઊર્મિ મોદીએ હરીફ ટીમના ખેલાડીને ક્લીન બોલ્ડ કર્યો ત્યારે સ્ટમ્પના બે કટકા થઈ ગયા હતા.ઝાહીદ એ બે કટકા હાથમાં લઈ દાંડિયા રાસ રમ્યો હતો.
- Advertisement -
ન્યાલચંદ શાહ લેગસ્પિનર હતા.મેટિંગ વિકેટ ઉપર તેમની સામે રમવામાં સારા સારા ખેલાડીઓને આંખે અંધારા આવી જતા.ફ્રેન્ક વોરેલે તેમને મેટિંગ વિકેટ પરના જાદુગરનું બિરુદ આપ્યું હતું.તેઓ ભારતની ટીમ વતી પણ એક ટેસ્ટ મેચ રમ્યા હતા.
સૌરાષ્ટ્રની ટીમમાં રાજવી સભ્યો રમતા હોય ત્યારે રાજકુમાર કોલેજના પેવેલિયન ની આગળના નાનકડા ગાર્ડનમાં મંડપ નીચે સોફાઓ પર બેસી રાજવી પરિવારના સભ્યો અને જાજરમાન રાણી સાહેબાઓ મેચ નિહાળતા.પેલેસના સાફાધારી સેવકો ખડેપગે તેમની સેવામાં રહેતા.મેદાનના એટલા વિસ્તારમાં ગરીમા અને ગ્લેમર છવાઈ જતા.અને હા!આજે જેમ દરેક વન ડે અને ટી.20 મેચમાં કોઇ દેશ અથવા તો કોઈ પ્લેયરનો એક નો એક આશિક દરેક મેચમાં જોવા મળે છે તેમ સૌરાષ્ટ્ર પાસે એક આમદ ઘડિયાળી હતા.તેમના હોંકારા પડકારાથી મેદાન ગાજતું રહેતું.કોઈ હાફ સેન્ચુરી કરે કે વિકેટ લે કે કેચ કરે એ સાથેજ આમદભાઈ હાર લઈને ગ્રાઉન્ડ ઉપર દોડી જતા.બધી ટીમના ખેલાડીઓ આમદભાઈને ઓળખતા.
સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ત્યાર બાદ નવો સિતારો ઉગ્યો.કરશન ઘાવરી.તેના પિતા દેવા માલા અને કાકા જીવા માલા બન્ને સ્પોર્ટ્સમેન હતા.અત્યંત ગરીબ પરિવારમાંથી આવેલા ઘાવરીનું વિરાણી હાઈસ્કૂલના કોચ કોટિભાઈ આચાર્યએ ઘડતર કર્યું.ભારતીય ક્રિકેટમાં જ્યારે સ્પિનર ત્રિપુટીની બોલબાલા હતી ત્યારે દેશના એક છેવાડે આવેલા સૌરાષ્ટ્રમાં ઘાવરીના રૂપમાં એક ફાસ્ટ બોલર ઉભરી રહ્યો હતો.
ઘાવરી વિરાણી હાઈસ્કૂલની ટીમનો કેપટન હતો. હિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટમાં વિરાણી અને રાજકુમાર કોલેજની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાય ત્યારે અડધું રાજકોટ તે જોવા આવતું.આર. કે.સી.ની ટીમમાં યજુવેન્દ્રસિંહ જાડેજા(બીલખા)નો દબદબો હતો.તેઓ પણ ભારતની ટેસ્ટ ટીમ માટે સિલેક્ટ થયા હતા.એ બન્ને વચ્ચેનો મેચ હોય ત્યારે બન્ને સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવતી.એક તરફ વિરાણીના અને બીજી તરફ આર.કે.સી.ના વિદ્યાર્થીઓ બેઠકો જમાવતા. આર.કે.સી.ની પાળી ત્યારે નાની હતી.લોકો પાળી ઉપર બેસીને હિલ્ડ શિલ્ડના આ મેચ જોતા.અને એક એક બોલ પર ચિચિયારીઓથી આકાશ ગાજી ઉઠતું.એ સમયે ટી.વી નહોતા એટલે લોકો મેચ જોવા મેદાનો પર જતાં.અન્ય શહેરમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી મેચ રમતી હોય ત્યારે લોકો સ્કોર જાણવા સાંજે સાત વાગીને દશ મિનિટે રેડિયો પર આવતા પ્રાદેશિક સમાચારની પ્રતીક્ષા કર્યે રાખતા.એ વખતે કૂચબિહાર ટુર્નામેન્ટનું પણ આકર્ષણ હતું.એક હેનકોક કપ નામે પણ ટુર્નામેન્ટ હતી.વેલજી માસ્તર અને રૂપસિંહ રાઠોડ સાહેબ જેવા નિષ્ણાંત અને સમર્પિત કોચ હતા.બાદમાં મહિપતભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ સિટીઝન બેંક દ્વારા કોચિંગ કેમ્પ શરૂ કરાયા. હમણાં જ જેમનું નિધન થયું એ એ.યુ.બાબી સાહેબે વર્ષો સુધી તેમાં સેવાઓ આપી હતી.એ કેમ્પના ઉદ્દઘાટનોમાં ચંદુ બોર્ડે,વિનુ માંકડ,રાજસિંહ ડુંગરપુર જેવી હસ્તીઓ આવતી.
ન્યાલચંદભાઈ, મુળુભા જાડેજા, મહેન્દ્રભાઈ રાજદેવ, નરેશ પરસાણા સહિતના સૌરાષ્ટ્રના ધુરંધર ખેલાડીઓ નિ:સ્વાર્થ ભાવે આ કેમ્પમાં સેવાઓ આપતા. સૌરાષ્ટ્રના ક્રિકેટરોની અનેક પેઢીઓ એ કેમ્પમાં તૈયાર થઈ.
આજે તો સૌરાષ્ટ્રનું ક્રિકેટનું સ્તર ખૂબ ઊંચું છે.ચેતેશ્વર પૂજારા,રવિન્દ્ર જાડેજા,જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે નામ કાઢી રહ્યા છે.પણ દાયકાઓ પૂર્વે આ રમતના પાયાના પથ્થરો સમા એ પૂર્વજો રિયલ સ્પોર્ટ્સમેન હતા.ક્રિકેટ ખરા અર્થમાં જેન્ટલમેન’સ ગેમ હતી.ક્રિકેટમાં એ સમયે કાંઈ કમાણી નહોતી.વિનુભાઈ માંકડને જ્યારે ટેસ્ટ મેચ માટે 250 રૂપિયા મળતાં તે યુગમાં આછી પાતળી સુવિધાઓ વચ્ચે આ પૂર્વજોએ આ રમતને લોકપ્રિય બનાવી હતી. રમતને જીવતી રાખી હતી. એમની રમત,એમની ખુમારી અને એમની ખેલદિલી, એ મેચો, એ સ્પર્ધાઓ, રાજવી ખેલાડીઓનો એ રુઅબદાર ઠસ્સો,ત્રણ દિવસના એ ક્રિકેટોત્સવ અને મેદનીનો એ રોમાંચ અને એ આનંદ સદા યાદ રહેશે.