નવી TP સ્કીમના નામે ગેરકાયદે ખોદકામ કરી નાખ્યું
JCB મશીન દ્વારા ખોદાણ: કોની મંજુરીથી થયું ખોદકામ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પાસે આવેલા અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર જમીનમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે ખોદકામ કરાતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે વધુ વિગત મેળવવા ‘ખાસ-ખબર’ દ્વારા અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયતના સરપંચના પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે તેમને કોઈ ફસાવવા માંગે છે. થોડા દિવસ પહેલા માત્ર સવારથી બપોર સુધી જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ મીડિયામાં મિત્રો આવી જતા જાહેર જગ્યામાં ખોદકામ અટકાવી દેવામાં આવ્યું હતું અને હાલ અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ પ્રકારનું ખોદકામ કરવામાં આવી રહ્યું નથી.
જોકે સમગ્ર મામલે ‘ખાસ-ખબર’ને આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અમરગઢ – ભિચરી ગામે નવા ટી.પી. સ્કીમ કરવા અને રૂડાના ડી.પી. રસ્તાઓ ખોલવાના નામે ગેરકાયદે ખોદકામ કરીને ખાણખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ બાબતના વિડીયો અને ફોટોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ કરી ખાણખનીજ ચોરીનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. હવે આ ખોદકામ કોના દ્વારા અને કોની મંજૂરી દ્વારા કરવામાં આવ્યું અને કેમ એકાએક બંધ કરવામાં આવ્યું એ તપાસનો વિષય છે.
- Advertisement -
અમરગઢ-ભિચરીના રસ્તાઓ ખોલવા સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી
તા. 2 ફેબ્રુઆરી 2024ના અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો જે પત્રમાં સરપંચ દ્વારા રાજકોટ શહેરને જોડતા મહિકા અને ભિચરી ગામે નવી ટીપી સ્કીમ કરવા અને રૂડાના ડીપી રસ્તાઓ ખોલવા બાબત રજૂઆત કરવામાં આવી હતી. આ પત્રને આધારે અમરગઢ – ભિચરી ગામમાં રસ્તાઓ ખોલવાના નામ પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે ખોદકામ કરી ખાણ ખનીજની ચોરી કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડી રહ્યું છે.